• ગુરુવાર, 02 જુલાઈ, 2026

કોમર્શિયલ ગેસ અને પેટ્રોલ-ડીઝલ થયા સસ્તાં

19 કિલોના ગેસ સિલિન્ડરમાં 183 રૂપિયાનો કાપ

નાયરા એનર્જીએ ઈંધણના ભાવ ઘટાડયા : મહિનાની શરૂઆતથી રેલવે, પાસપોર્ટ  વગેરેમાં આવ્યા ફેરફાર

નવી દિલ્હી, તા. 1 : જુલાઈ મહિનાની શરૂઆત સાથે ઘણા એવા ફેરફાર થયા છે જેની સીધી અસર લોકોના ખિસ્સા ઉપર પડશે. મહિનાની શરૂઆતથી એલપીજી, આઈટીઆર, ક્રેડિટ કાર્ડ, આધાર, પાસપોર્ટ અને અન્ય સેવાઓ સંબંધિત નવા નિયમો અને કિંમતમાં બદલાવ લાગુ થયા છે. અમુક બદલાવથી લોકોને રાહત પણ મળવાની છે.

કોમર્શિયલ એલપીજી સસ્તો

નવા મહિનાની શરૂઆતે જ વ્યાવસાયિક વપરાશકારોને રાહત આપતો નિર્ણય સરકાર તરફથી આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના સહયોગથી તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183 રૂપિયાનો મોટો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જોકે ઘરેલુ એલપીજીની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં ન આવતાં યથાવત કિંમતે ઘરેલુ સિલિન્ડર મળતાં રહેશે.

વ્યાવસાયિક એલપીજી પરનો ઘટાડો આજથી જ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. ઈરાન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં જારી સંકટને કારણે વીતેલા મહિનાઓ દરમ્યાન ગેસની  કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો હતો તેના પર આ નિર્ણય સાથે વિરામ લાગી ગયો છે. ભાવોમાં કરવામાં આવેલા આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલો વજનના કોમર્શિયલ એલપીજીનો ભાવ હવે 2,930 રૂા. થયો છે. આ પહેલાં જૂન મહિનામાં દિલ્હીમાં તેની કિંમત 3,113 રૂપિયા હતી. કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડાની સીધી અસર રેસ્ટોરેન્ટ, હોટેલ, ઢાબાઓ અને અન્ય કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા નાના-મોટા ઉદ્યોગને થશે.

નાયરાએ ઘટાડયા

પેટ્રોલ-ડીઝલના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઘટાડા બાદ પ્રાઈવેટ ફયૂલ રિટેલર નાયરા એનર્જીએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કાપનું એલાન કર્યું છે. નાયરા એનર્જીએ પેટ્રોલમાં પાંચ રૂપિયા અને ડીઝલમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટર ઘટાડયા છે.

ઈંધણ વેચાણ ઉપરના પ્રતિબંધ હટયા

મહિનાની શરૂઆતથી પેટ્રોલ ડીઝલના વેચાણ ઉપર લાગેલો અસ્થાયી પ્રતિબંધ હટી ગયો છે. સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓના રિટેલ પંપ ઉપર સામાન્ય વ્યવસ્થા હેઠળ ઈંધણનું વેચાણ થશે.

આધારમાં ઈમેઈલ અપડેટ કરવું મફત

આધાર કાર્ડમાં ઈમેઈલ અપડેટ કરવા માટે અત્યારસુધી 75 રૂપિયા ચૂકવવા પડતા હતા. જો કે નવા નિયમ હેઠળ પહેલી જુલાઈથી આધારમાં ઈમેઈલ આઈડી અપડેટ કરવાની સુવિધા નિ:શુલ્ક થઈ છે. આ છૂટ માત્ર મોબાઈલ એપ મારફતે કરવામાં આવેલા ઈમેઈલ અપડેટ ઉપર લાગુ થશે.       

પાસપોર્ટ માટે ચુકવવી

પડશે વધુ ફી

જુલાઈ મહિનાથી પાસપોર્ટ બનાવવો મોંઘો થયો છે. હવે 36 પાનાનો પાસપોર્ટ બનાવવા 1500ને બદલે 2500 રૂપિયા આપવા પડશે. જો તત્કાળ સેવા હેઠળ પાસપોર્ટ જોઈતો હશે તો 5000 રૂપિયા ખર્ચ કરવા પડશે. 60 પેજના પાસપોર્ટ માટે 2000ની જગ્યાએ 3500 અને તત્કાળમાં 6000 ખર્ચ કરવા પડશે.

દિલ્હીમાં નવી ઈવી પોલિસી લાગુ

દિલ્હીમાં જુલાઈ મહિનાથી નવી ઈવી પોલિસી લાગુ થવા જઈ રહી છે. આ નિયમ હેઠળ ઈવી ગાડી ખરીદનારા લોકોને ભારે છૂટ અને સબસિડી આપવામાં આવશે. સરકાર આ નીતિ ઉપર આગામી ચાર વર્ષમાં 7000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને પોલિસી 31 માર્ચ 2030 સુધી લાગુ રહેશે.

ખુદાબક્ષોએ ભરવો પડશે વધારે દંડ

રેલવે પોતાના નિયમોને વધારે સખત કર્યા છે. નવા નિયમ હેઠળ  ટિકિટ વિના યાત્રા કરવા ઉપર દંડ વધારવામાં આવી શકે છે. પહેલા ટિકિટ ન હોય તો યાત્રાનું પુરૂ ભાડુ અને 250 રૂપિયા થતા હતા. જો કે હવે 500 રૂપિયાનો દંડ થશે. જ્યારે ટ્રેનમા પ્રતિબંધિત સામાન લઈ જવા ઉપર દંડ વધારીને 10,000 રૂપિયા કરાયો છે.

31 જુલાઈ આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ

નવા નાણાકીય વર્ષ માટે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે. જો 31 જુલાઈ બાદ આઈટીઆર ફાઈલ થશે તો દંડ ભરવો પડશે. આ દંડ 1,000થી 5,000 રૂપિયા સુધી હોઇ શકે છે.

પાક વીમા મહિનાની શરૂઆત

જુલાઈ મહિનાથી પાક વીમા મહિનાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આ અભિયાનનો હેતુ વધુમાં વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી જોડવાનો છે. જેથી પ્રાકૃતિક આફત, અનિયમિત વરસાદ અને અન્ય જોખમોથી થતાં નુકસાનનું વળતર સરળતાથી મળી શકે. 

ઇ-પેપરના નવા શુલ્ક