• ગુરુવાર, 02 જુલાઈ, 2026

રથયાત્રા પૂર્વે જુહાપુરામાંથી રિવોલ્વર અને તમંચા સાથે શખસ ઝડપાયો

બે જીવતા કારતૂસ સહિત રૂ.75,300નો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદ, તા.1 અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જુહાપુરામાંથી રિવોલ્વર તથા તમંચા સાથે એક યુવકની વેજલપુર રોડ પર મુસ્કાન ગાર્ડન પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી પોલીસે દેશી બનાવટનો તમંચો, એક રિવોલ્વર અને બે નંગ કારતૂસ જપ્ત કર્યા હતા. અમદાવાદમાં આગામી દિવસોમાં રથયાત્રા યોજાવાની હોય પોલીસ દ્વારા રાત્રી પેટ્રાલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એસઓજીની ટીમે બાતમીના આધારે એકતા મેદાન પાસે મુસ્કાન ગાર્ડનમાંથી હથિયારો સાથે ફરી રહેલા નાસીરખાન પઠાણ (ઉં.28,રહે. છારોડી, સાણંદ)ની તલાશી લેતા દેશી હાથ બનાવટનો તમંચો તથા દેશી રિવોલ્વર ઉપરાંત બે જીવતા કારતૂસ તથા એક મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે 75,300 રૂપિયાના મુદ્દામાલ સાથે નાસીરખાન પઠાણની ધરપકડ કરી હતી. તમંચો અને રિવોલ્વર કોની પાસેથી અને શું કામ લાવવામાં આવ્યા? તે અંગે પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા હથિયાર રાખવાનો શોખ હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. આમ દેશી તમંચો, રિવોલ્વર અને બે કારતૂસ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી

ઇ-પેપરના નવા શુલ્ક