તારીખ પે તારીખ સામે સુપ્રીમનો તવારીખી આદેશ : દેશની તમામ વડી અદાલતો ત્રણ મહિનાની અંદર ફેંસલો આપે
નવી
દિલ્હી, તા.29 : આદર્શ ન્યાયનો સિદ્ધાંત કહે છે કે, ન્યાયમાં વિલંબ પણ અન્યાય જ છે.
જો કે આ ‘તારીખ પે તારીખ’નો અન્યાય આપણાં દેશમાં સામાન્ય વ્યવસ્થાની જેમ ઘર કરી ગયો
છે. પેન્ડિંગ કેસોનાં ખડકલામાં દબાયેલી અદાલતોનાં ત્રાજવામાંથી ન્યાય શોધવા કે મેળવવામાં
નાગરિકોની જિંદગીનાં અડધા વર્ષો ઉલેચાઈ જાય છે. દેશની વિધાયિકા, કાર્યપાલિક અને ખુદ
ન્યાયપાલિકાએ પણ વિભિન્ન તબક્કે ન્યાયમાં વિલંબ સામે ચિંતાઓ પ્રગટ કરી છે પણ હજી સુધી
આનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. જો કે હવે સુપ્રીમ કોર્ટે આની સામે સખત વલણ અખત્યાર
કર્યુ છે અને દેશભરની ઉચ્ચ અદાલતો એટલે કે હાઈકોર્ટોને સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે,
કોઈપણ કેસમાં ચુકાદાને સુરક્ષિત રાખવામાં આવ્યા બાદ મહત્તમ ત્રણ માસની અંદર અનિવાર્ય
રીતે ફેંસલો આપી દેવાનો રહેશે. આટલું જ નહીં, વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડાયેલા મામલામાં
(દા.ત. જામીન અરજી) તો આ સમયમર્યાદા વધુ તેજ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે બંધારણનાં અનુચ્છેદ
142 હેઠળ પોતાની વિશેષ શક્તિનો ઉપયોગ કરીને આપેલા આ ઐતિહાસિક આદેશનો મૂળ હેતુ ચુકાદામાં
વિલંબનું નિવારણ અને ત્વરિત ન્યાય સુનિશ્ચિત કરવાનો છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશની તમામ વડી અદાલતો
દ્વારા મામલાઓ પર ફેંસલો આપવામાં વિલંબ બદલ ચિંતા વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે
કહ્યું હતું કે, કોઈ પણ ફેંસલો અનામત રાખ્યા બાદ ત્રણ મહિનાની અંદર ફેંસલો ન આવે તો
હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તેવા કેસ મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ રાખશે.
મુખ્ય
ન્યાયમૂર્તિ સૂર્યકાંતના વડપણવાળી ખંડપીઠે અન્ય એક મહત્ત્વના નિર્દેશમાં જામીન અરજીઓ
પર એ જ દિવસે આદેશ આપવા કહ્યું હતું. જો ફેંસલો
સુરક્ષિત રખાય તો બીજા દિવસે જરૂર જારી કરીને વેબસાઈટ પર અપલોડ કરવાનો આદેશ પણ સુપ્રીમે
આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું
હતું કે, હું 15 વર્ષ હાઈકોર્ટનો જજ રહ્યો, પરંતુ કદી પણ ફેંસલો અનામત નથી રાખ્યો.
ઝારખંડ સરકાર સાથે જોડાયેલા એક મામલાની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની ખંડપીઠે
12 નિર્દેશ જારી કર્યા હતા. મુખ્ય ન્યાયમૂર્તિએ
સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ન્યાયની કિંમત પર ફેંસલામાં આવા વિલંબ ચલાવી લેવાય
નહીં.