ભાડે રાખેલા ડમ્પર-ટ્રેક્ટર પડાવી લઈ જાનથી મારવાની ધમકી : બે શખસ સામે ફરિયાદ
અમરેલી, તા.29: અમરેલી જિલ્લાના
રાજુલામાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા એક આધેડને ભરૂચના ગંધાર ગામે મીઠાના
અગરમાં વાહનો ભાડે રાખવાની લાલચ આપી, ભાડું ન ચૂકવીને રૂ. 49.39 લાખની છેતરાપિંડી આચરવામાં
આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વાહનોના ભાડાની ઉઘરાણી કરવા ગયેલા
વાહન માલિકને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી વાહનો પણ બળજબરીથી પડાવી લેવાયાનો
આક્ષેપ કરાયો છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ, રાજુલાના
છતડીયા રોડ પર આવેલ મન મંદિર-3માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા બીપીનભાઇ મૂળશંકરભાઇ
ઓઝા (ઉં.વ. 50) નામના આધેડને રાજુલા તાલુકાના વિક્ટર ગામના વતની અને હાલ ભરૂચ જિલ્લાના
ગંધાર ગામે રહેતા અશોક મનસુખભાઇ બાંભણિયા નામના શખ્સે રૂબરૂ મળીને વિશ્વાસમાં લીધા
હતા. આરોપીની વાતોમાં આવી જઈને બીપીનભાઇએ લોન પર વાહનો ખરીદ્યા હતા. વાહનો મોકલ્યા
બાદ લાંબા સમય સુધી ભાડું ન મળતા, વાહન માલિક બીપીનભાઇએ અવારનવાર ઉઘરાણી કરી હતી. પરંતુ
આરોપી વાયદાઓ જ કરતો હતો. આખરે કંટાળીને બીપીનભાઇ ઓઝા તથા તેમની સાથે અશ્વીનભાઇ ભટ્ટ
બંને ભરૂચ પાસે ગંધાર ગામે રૂબરૂ ઉઘરાણી કરવા પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા જ આરોપી
અશોકભાઇ મનસુખભાઇ બાંભણિયા તથા વિનુભાઇ ભુપતભાઇ બાંભણિયા ઉશ્કેરાઈ ગયા હતા. બંને આરોપીઓએ
થઈને બીપીનભાઇને ઢોર માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી
આપી ભયનો માહોલ ઊભો કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ વાહનો પણ બળજબરીથી પોતાની પાસે
રાખી લીધા હતા. આરોપીઓએ વાહનોનું બાકી નીકળતું કુલ રૂ. 49,39,000 નું ભાડું ન ચૂકવી,
વિશ્વાસઘાત અને છેતરાપિંડી આચરી હતી.