• શુક્રવાર, 29 મે, 2026

વધુ એક સિંહનું મોત અસરગ્રસ્ત 10 કિ.મી. વિસ્તાર સીલ

મોતના વાયરસ સામે લડવા ડૉ. રાજન જાદવ અને 5 RFO સહિત 17 નિષ્ણાતોની ઈમરજન્સી ઘરવાપસી

CDVની આશંકા વચ્ચે જસાધાર એનિમલ કેર સેન્ટર છાવણીમાં ફેરવાયું; ભારે નાજુક સ્થિતિને પગલે ઉચ્ચ અધિકારીઓએ મીડિયા સામે મૌન સાધ્યું

 

રાજકોટ તા.28 : એશિયાટિક સિંહોના એકમાત્ર ગઢ ગણાતા ગીરમાં વનરાજો પર ફરી એકવાર મોટો રોગચાળો ત્રાટક્યો હોવાની આશંકા વચ્ચે વનવિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગીરમાં ટૂંકા ગાળામાં 8 સિંહોના ટપોટપ મોત બાદ આજે વધુ એક સિંહનો ભોગ લેવાતા કુલ મોતનો આંકડો 9 પર પહોંચ્યો છે, જેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. વનવિભાગના કેટલાક સ્થાનિક અધિકારીઓ દ્વારા સિંહોના મોતના સાચા આંકડા અને વિગતો છુપાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે ગાંધીનગરથી હાઈપાવર ટીમ ગીર દોડી આવી છે. પરિસ્થિતિ એટલી હદે નાજુક છે કે વાયરસના આ સંકટ સામે લડવા માટે વનવિભાગે ગીર જંગલના જુના જોગીઓ અને 17 જેટલા અનુભવી અધિકારીઓ-કર્મચારીઓની તાત્કાલિક અસરથી ઇમરજન્સી ‘ઘરવાપસી’ કરાવીને જસાધાર રેન્જમાં તૈનાત કરી દીધા છે.

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા વધુ એક સિંહનું મોત થતા મૃત્યુઆંક 8થી વધુ પહોંચ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે ગીરના જંગલમાં ઊભા થયેલા આ વાયરસના મહાસંકટ અને સ્થિતિ હાથમાંથી બહાર ન નીકળે તે માટે વનવિભાગે મોટો વહીવટી નિર્ણય લીધો છે. ગીર જંગલની ભૌગોલિક સ્થિતિ અને સિંહોના વર્તનનો વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા 17 જેટલા ઓફિસરો અને કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ગીર પૂર્વની જસાધાર રેન્જમાં હાજર થવા ઈમરજન્સી ફરમાન જાહેર કરાયું છે.  જેમાં સ્પેશિયલ વેટરનરી ઓફિસર ડૉ. રાજન જાદવ ઉપરાંત પાંચ અનુભવી આરએફઓ બી.બી. વાળા, એલ.બી. ભરવાડ, આર.કે. પરમાર, વાય.પી. ચાવડા અને પી.એન. ચાંદુનો સમાવેશ થાય છે. આ સાથે જંગલના ખૂણેખૂણાથી વાકેફ એવા 11 ફોરેસ્ટર અને ટ્રેકર્સ વી.જી. સુચારા, પી.એમ. રાઠોડ, પી.બી. બાટવા, વી.જે. સિસોદીયા, બી.કે. સોલંકી, એ.ઝેડ. ભારથી, બી.આર. પડતી, બી.વી. બકોતરા, એમ.પી. સાંભડ, જી.એન. સોલંકી અને એ.એન. ગઢવી સહિતના કાફલાને 10 કિલોમીટરના પ્રભાવિત વિસ્તારમાં સઘન મોનીટરીંગ અને ટ્રાકિંગ માટે યુદ્ધના ધોરણે તૈનાત કરી દેવાયા છે.

બીજીતરફ, ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક પૂર્ણ થતાં જ વનવિભાગ સફાળું જાગ્યું છે અને હાઈએલર્ટ મોડમાં આવ્યું છે. કેનાઇન ડિસ્ટિમ્પર વાયરસ અને ઈતડીજન્ય રોગચાળાના ભય વચ્ચે ગાંધીનગર વનવિભાગની એક ઉચ્ચ સ્તરીય ટીમ તાત્કાલિક ગીરના અસરગ્રસ્ત સરહદી વિસ્તારોમાં ઉતરી પડી છે. આ હાઈપાવર ટીમમાં ગાંધીનગરના પીસીસીએફ ભવાની પતી, સીસીએફ રામ રતન નાલા અને રાજ્યના ટોચના સિનિયર એક્સપર્ટ એનિમલ ડૉક્ટરો સામેલ છે, જેઓ ગ્રાઉન્ડ ઝીરો પર રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ઉચ્ચ અધિકારીઓનો આ કાફલો સીધો ગીર પૂર્વના જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચ્યો હતો, જેને હાલ કટોકટીની છાવણીમાં ફેરવી દેવાયું છે. અહીં તાજેતરમાં મૃત્યુ પામેલા સિંહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને કેસ હિસ્ટ્રી અંગે ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી હતી. જો કે, પરિસ્થિતિ અત્યંત ગંભીર અને નાજુક હોવાના કારણે તપાસ ટીમના અધિકારીઓએ હાલ પૂરતી મીડિયા સાથે કોઈ પણ વિગતો શેર કરવાનો કે સત્તાવાર વાતચીત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેને પગલે જંગલમાં વ્યાપેલા આ મૌનથી ચિંતા વધુ ઘેરી બની છે.

ઇ-પેપરના નવા શુલ્ક