હથિયારો સાથે કારમાં ધસી આવેલા 20થી વધુ શખસે ગામ લોકોના ઘરના દરવાજામાં ધોકા પછાડ્યા : હત્યાનો પ્રયાસ, રાયાટિંગ હેઠળ ગુનો
જામનગર તા.29, જામનગર જિલ્લાના
કાલાવડ તાલુકાના સતીયા ગામમાં પ્રેમ સંબંધના મુદ્દે ભારે તણાવ અને હુમલાની ઘટના સામે
આવી છે. યુવક અને યુવતી ઘરેથી સાથે જતા રહેવાના મનદુ:ખમાં કેટલાક શખસો 7 જેટલી ગાડીમાં
ધસી આવી સતીયા ગામમાં હુલ્લડ મચાવી હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
ફરિયાદી મથુરભાઈ લાલજીભાઈ માલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના કુટુંબી મહેશભાઈ મોહનભાઈ
ગરચરને વીરવાવ ગામની ઋષિકાબેન સાથે પ્રેમ સંબંધ હતો અને બંને પોતપોતાના ઘરેથી સાથે
જતા રહ્યા હતા. આ મુદ્દે સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. જ્યાં ચર્ચા દરમિયાન
બોલાચાલી અને ઝપાઝપી સર્જાઈ હતી.
ફરિયાદ મુજબ, બાદમાં રાત્રિના
સમયે આરોપી ભરત કરણાભાઈ ઝાપડાએ ફોન કરી ધમકી આપી હતી કે અમે લોકો ગામમાં આવીએ છીએ,
તૈયાર રહેજો. ત્યારબાદ મધરાત્રિએ સાત જેટલી ગાડીઓમાં આશરે પંદરથી વીસ લોકો લોખંડના
પાઈપ અને લાકડાના ધોકા સાથે ગામમાં ઘૂસી આવ્યા હતા. ટોળાએ ગામમાં લોકોના ઘરના દરવાજા
ખખડાવ્યા હતા અને લોકોને બહાર નીકળવા ધમકાવ્યા હતા. થોડા સમય બાદ ટોળું ફરી પરત આવ્યું
હતું. દરમિયાન ફરિયાદીની બહેન કુંજલબેનને આરોપી ભરત ઝાપડાએ લોખંડના પાઈપથી હુમલો કરવાનો
પ્રયાસ કર્યો હતો. બચવા જતા પાઈપ કપાળ ઉપર વાગતા તેણીને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર
માટે પ્રથમ કાલાવડ અને ત્યારબાદ જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટના
દરમિયાન પોલીસની ગાડી આવતી દેખાતા હુમલાખોરો ગાડીઓ મૂકી ફરાર થઈ ગયા હોવાનું પણ ફરિયાદમાં
જણાવાયું છે. પોલીસે સ્થળ પરથી બે ગાડીઓ કબ્જે લીધી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર
બનાવ અંગે પોલીસે હુલ્લડ, હુમલો, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી
વધુ તપાસ હાથ ધરી છે.