બનાવ સમયે કેનેડીયન પોલીસ હાજર હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરી
નવી
દિલ્હી, તા. 29 : કેનેડામાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓની હરકતો થંભવાનું નામ લઈ રહી નથી.
હવે નવો ઘટનાક્રમ બ્રેમ્પટનમાં બન્યો છે, જ્યાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય રાજદૂત
દિનેશ પટનાયકના કાફલાને નિશાન બનાવ્યો હતો. ખુલ્લેઆમ ગુંડાગર્દી બતાવતા ઉપદ્રવીઓએ કાફલાને
રોક્યો હતો અને સ્થાનિક પોલીસની નજર સામે જ ભારતીય ધ્વજને ફાડી નાખ્યો હતો. આ પુરી
ઘટના દરમિયાન કેનેડાની પોલીસ મૂકદર્શક બની રહી હતી.
બનાવ
26મી મેના રોજ બ્રેમ્પટન સ્થિત પિયર્સન કન્વેન્શન સેન્ટરની બહાર બન્યો હતો. સામે આવેલા
વીડિયોમાં સાફ જોવા મળે છે કે, ખાલિસ્તાન રેફરેન્ડમના ઝંડા અને બેનર લઈને ખાલિસ્તાનીઓ
કાળા રંગની એસયુવી ગાડીમાં જઈ રહેલા ભારતીય દૂતની નજીક પહોંચી ગયા હતા. પ્રદર્શનકારીઓએ
ઉગ્ર નારેબાજી કરતા ગાડીઓને ઘેરવાનો અને તેને આગળ વધતી રોકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષામાં
ચુકની ઘટના વચ્ચે એક ખાલિસ્તાની સમર્થક સમૂહે ભારતીય ત્રિરંગાને નુકસાન પહોંચાડયું
હતું.
ખાલિસ્તાની
હરકતનો બનાવ એવા સમયે બન્યો છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે ટ્રેડ ડીલની વાતચીત ચાલી
રહી છે અને આ માટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ કેનેડાના પ્રવાસે
છે. ઘટના સમયે સ્થાનિક કેનેડીયન પોલીસના ઘણા અધિકારી પણ હાજર હતા પણ તેઓએ કોઈપણ અસરકારક
પગલા ભર્યા નહોતા. કેનેડા પ્રશાસનની બેદરકારીના કારણે ભારતીય રાજદૂતની સુરક્ષા ઉપર
ગંભીર સવાલ ઉભા કર્યા છે.