નવી દિલ્હી, તા.29: સુપ્રીમ કોર્ટે મહિલા કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટને 30 અને 31 મેના રોજ યોજાનારી એશિયન ગેમ્સ-2026 સિલેકશન ટ્રાયલ્સમાં હિસ્સો બનાવાની મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને આલોક અરાધેની બેંચે આ ફેંસલો આજે આપ્યો હતો. ભારતીય કુસ્તી સંઘની અપીલ સામે તેમણે મહિલા ખેલાડી વિનેશની તરફેણમાં આદેશ આપ્યો હતો. અગાઉ દિલ્હી હાઇકોર્ટે વિનેશને પસંદગી સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. જેની સામે કુસ્તી સંઘ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું, પરંતુ ત્યાં પણ વિનેશની તરફેણમાં નિર્ણય યથાવત રહ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું કે આ મેડિકલ કોલેજના દાખલાનો મામલો નથી. આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત સાથે જોડાયેલો મામલો છે. તેણે (વિનેશ) દેશને ગર્વ મહેસૂસ કરાવ્યું છે.