• શુક્રવાર, 29 મે, 2026

મોરબી જિલ્લામાં અપમૃત્યુના 4 બનાવ

ડૂબી જવાથી, ગળાફાંસો ખાવાથી, મશીનમાં આવી જવાથી અને ઝેરી દવા પીવાના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા

મોરબી તા.28: મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં અપમૃત્યુના ચાર બનાવ બન્યા હતા. વાંકાનેર, મોરબી અને ટંકારામાં બનેલી આ ઘટનાઓમાં ખાણના પાણીમાં ડૂબી જવાથી, મકાનની અગાશી પર ગળાફાંસો ખાવાથી, કારખાનામાં મશીન વચ્ચે આવી જવાથી અને ઝેરી દવા ગટગટાવી લેવાના કારણે ચાર વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બોકડથંભા ગામમાં રહેતા શૈલેષભાઇ જેરામભાઇ સરાવાડીયા બોકડથંભા ગામથી એક કિલોમીટર દૂર આવેલી ખાણના પાણીમાં ડૂબી ગયા હતા. પાણીમાં શ્વાસ રૂંધાઈ જવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

બીજા બનાવમાં, મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા તુલસીપત્ર એ એપાર્ટમેન્ટમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ હરીભાઇ વિરજીભાઇ દેત્રોજાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. હરીભાઇએ એપાર્ટમેન્ટના આઠમા માળે ધાબા ઉપર આવેલા પાણીના ટાંકાની સીડી સાથે સફેદ કલરનો પનીયો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.

ત્રીજી ઘટના વાંકાનેરના સરતાનપર રોડ પર બની હતી, મૂળ મધ્યપ્રદેશના અને હાલ રેન્સો ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં રહેતા શ્રમિક પરિવારનો બે વર્ષનો પુત્ર સીરાજ રિતેશભાઇ આઇડીયા કારખાનાના પરિસરમાં રમતો હતો. આ દરમિયાન તે અચાનક મશીનની લોખંડની પ્લેટની લાઇન વચ્ચે આવી જતાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે આ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

ચોથા બનાવમાં, ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલી યુનાઈટેડ ઈન્સેન્ટી સાઈટ્સ પ્રા. લિમિટેડ કંપનીમાં મજૂરી કરતા 36 વર્ષીય રવિન્દ્રભાઇ રણજીતભાઇ વસાવા (મૂળ રહે. ભરૂચ) એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક