મકાનમાં 8થી 10 ટન જેટલો સાડીનો જથ્થો પડયો’તો : ઘરમાં બે ગેસ સિલિન્ડર મળી આવ્યા, શોર્ટ સર્કિટના લીધે આગ લાગવાનું અનુમાન
સુરત,
તા. 31 : સુરતમાં દા’ડે દિવસે આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના લિંબાયત
વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસેની બેઠી કોલોનીના એક રહેણાક મકાનમાં આજે સવારે અચાનક
આગ ફાટી નીકળતા બાળક સહિત પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા છે. આગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં
અફરાતફરી મચી જવા પામી હતી.
સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે લિંબાયતમાં આવેલી મીઠી ખાડીમાં બેઠી કોલોની વિસ્તારમાં
ગ્રાઉન્ડ સહિત બે માળના મકાનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં નજીક પડેલા સાડીના જથ્થા
અને જ્વલનશીલ કેમિકલ પર આગ પ્રસરતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘરમાંથી ધુમાડાનાં
ગોટે ગોટા બહાર નીકળતાં આસપાસનાં લોકો પણ ભયભીત થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને
જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને માન દરવાજા અને ડુંભાલ ફાયર વિભાગનો
કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના સ્થળે પહોંચ્યા બાદ ફાયર જવાનો દ્વારા
આગ પર કાબૂ મેળવવાની સાથે મકાનમાંથી એક જ પરિવારની ચાર મહિલા સહિત એક બાળકને બેભાન
હાલતમાં બહાર કાઢી તાત્કાલિક તમામને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
હતા. જ્યાં પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તમામનાં મૃત્યુ નિપજ્યાં હતાં.
ચીફ
ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું
નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ વાયારિંગ બળેલું દેખાય છે અને અંદરથી બે ગેસ સિલિન્ડર
પણ મળી આવ્યા છે. વધુ તપાસ બાદ જ સ્પષ્ટ કારણ જાણી શકાશે.
ઉલ્લેખનીય
છે કે ઘરમાં સાડીઓનું કામ ચાલતું હોવાથી સાડીઓ પેક કરવાના ફોર્મ સીટ અને સાડીનો 8થી
10 ટન જેટલો જથ્થો રાખવામાં આવતા ઘરમાં ચાલવાનો પણ રસ્તો નહોતો. જે દરમિયાન ઇલેક્ટ્રિક
સ્વીચ બોર્ડમાં તણખાં ઝરતા આગળ પડેલા ફોર્મમાં આગ લાગી હતી. જો કે, ફોર્મ આગ ન પકડતું
હોવાથી ધૂમાડો ફેલાયો હતો. જેથી તેમાં રહેલા કેમિકલવાળા ધૂમાડાના લીધે ઘરમાં રહેલી
4 મહિલા સહિત એક બાળકનું ગૂંગળામણથી મૃત્યુ નીપજ્યું છે.