• બુધવાર, 01 એપ્રિલ, 2026

સાણંદ સેમિકન્ડકટર પૂરી દુનિયાને ‘પાવર’ આપશે : મોદી

વડાપ્રધાનના હસ્તે સાણંદ ખાતે રૂ.3300 કરોડના કેઈન્સ સેમિકોન ઘજઅઝ પ્લાન્ટનો શુભારંભ

ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 2030 સુધીમાં 100 અબજ ડોલરને પાર કરી જશે : વડાપ્રધાન

21મી સદીનું ભારત માત્ર પરિવર્તનનું સાક્ષી નહીં પણ પરિવર્તનના નેતૃત્વ તરફ આગળ વધી રહ્યું છે: પીએમ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 31 :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે રૂ.3300 કરોડના કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (ઓસેટ) પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું.  ઈન્ડિયન સેમિકન્ડક્ટર મિશન’ (આઈએસએમ) હેઠળ માઇક્રોન ટૅક્નોલૉજી બાદ આ બીજી એવી પરિયોજના છે જ્યાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે.

આ પ્રસંગે સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું કહ્યું કે, કેન્સ જે એક ભારતીય કંપની છે, તે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનો એક મજબૂત હિસ્સો બની ગઈ છે. આ સુવિધામાં ઉત્પાદન શરૂ થવાની સાથે જ ભારત એક ભરોસાપાત્ર સેમિકન્ડક્ટર સપ્લાયર તરીકે પોતાની ભૂમિકા સાબિત કરી રહ્યું છે. સાણંદમાં બનવાવાળી વસ્તુ અમેરિકા જશે અને ત્યાંથી આખી દુનિયામાં જશે. આ બીજા પ્લાન્ટના ઉદઘાટન સાથે સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે નવો બ્રિજ બની ગયો છે. કેર્લિફોનિયાની કંપની માટે આ પ્લાન્ટ ઇન્ટેલિજેન્ટ પાવર મોડ્યુલ આપી રહ્યો છે. મને કહ્યું કે, અહીં બનનારો પહેલો જથ્થો નિકાસ માટે બુક થઈ ગયો છે. 21મી સદીનું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં પણ બદલાવનું નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યું છે.

તેમણે ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ જે અત્યારે અંદાજે 4.50 લાખ કરોડનું છે, તે આ દાયકાના અંત સુધીમાં (2030 સુધીમાં) વધીને 100 અબજ ડોલર એટલે કે અંદાજે 9 લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે એમ જણાવી ઉમેર્યું હતું કે, આ દાયકાએ દુનિયા સામે મહામારી અને સંઘર્ષ જેવા અનેક પડકારો ઊભા કર્યા, જેનાથી વૈશ્વિક સપ્લાય ચેઇનને સૌથી વધુ નુકસાન થયું છે. આવા સમયે ભારત જેવા લોકતાંત્રિક દેશની આ દિશામાં પ્રગતિ આખી દુનિયાના વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

ભારતનું સેમિકન્ડક્ટર મિશન માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ તે ભારતના આત્મવિશ્વાસની ઘોષણા છે. આપણો મુખ્ય ટાર્ગેટ દેશને જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે ચિપ્સની જરૂર પડે, તે તમામ ચિપ્સનું ઉત્પાદન મેડ ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં જ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. તેમણે કહ્યું કે, સેમિકન્ડક્ટર એ માત્ર એક ઉદ્યોગ નથી, પરંતુ તે દેશની સુરક્ષા અને આધુનિકતાનો પાયો છે. સાણંદ અને ધોલેરામાં જે રીતે ઇકો-સિસ્ટમ તૈયાર થઈ રહી છે, તે જોતા ભારત ખૂબ જ ટૂંકા સમયમાં વિશ્વને સેમિકન્ડક્ટર સપ્લાય કરનારો અગ્રણી દેશ બની જશે. આનાથી લાખો યુવાનો માટે નવી રોજગારીની તકો અને સ્ટાર્ટઅપ્સ માટે નવા દ્વાર ખુલશે.

તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ષના બજેટમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0ની જાહેરાત કરવામાં આવી છે, જેનો મુખ્ય ભાર સેમિકન્ડક્ટર ઉપકરણો અને સામગ્રીના ઉત્પાદન પર છે. અમારો પ્રયાસ દેશની અંદર એક પૂર્ણ-સ્ટેક સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. અમે દેશમાં મહત્ત્વપૂર્ણ ખનિજોનો રાષ્ટ્રીય ભંડાર સુનિશ્ચિત કરવા માંગીએ છીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે સાણંદ ખાતે કેઈન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યાન્વિત થયો છે, તે એક આગવો માઇલસ્ટોન પુરવાર થશે. ગયા મહિને સાણંદ સ્થિત માઇક્રોન ફેસિલિટીને વડાપ્રધાને ખુલ્લી મૂકી હતી અને આજે કેઇન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ એ સાણંદ-ધોલેરાને સિલિકોન વેલી બનાવવાની દિશામાં આગવું કદમ સાબિત થશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માત્ર 14 મહિનામાં કેઇન્સ સેમિકોન પ્લાન્ટના ખાતમુહૂર્તથી લઈને કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે, જે એક રેકોર્ડ છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સરકારની સક્રિયતાને તેમણે બિરદાવી હતી.  ગુજરાતમાં અત્યાર સુધીમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા છે અને વર્ષ- 2026ના અંત સુધીમાં કુલ ચાર પ્લાન્ટ શરૂ થઈ જશે. જ્યારે વર્ષ-2027માં વધુ બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને વર્ષ-2028માં ધોલેરામાં ફેબ પ્લાન્ટ પણ કાર્યરત થઈ જશે. આમ, દેશભરમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક