• બુધવાર, 01 એપ્રિલ, 2026

નાલંદાના મંદિરમાં નાસભાગ : નવ મૃત્યુ

શીતલા માતાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ વચ્ચે ઘટના: મૃત્યુ પામનારાઓમાં આઠ મહિલા

નાલંદા, તા.31 : બિહારના નાલંદા જિલ્લામાં આજે સવારે શીતલા માતા મંદિરમાં નાસભાગ મચતાં ઓછામાં ઓછા નવ શ્રદ્ધાળુનાં મોત થયા હતાં. આઠ મહિલા શ્રદ્ધાળુના ભીડમાં ચગદાઈ જવાથી સ્થળ પર જ મૃત્યુ થયાં હતાં જ્યારે ઈજાગ્રસ્ત પુરુષે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડયો હતો. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને છ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે પણ બે લાખ રૂપિયાના વળતરની ઘોષણા કરી હતી.

ચૈત્ર મહિનાના મંગળવારે ભારે સંખ્યામાં  ભાવિકો મંદિરે દર્શન માટે આવ્યા હતા. અહીં મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળ પર ઉપસ્થિતોની ફરિયાદ મુજબ સ્થળ પર પર્યાપ્ત માત્રામાં પોલીસ સહિતની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

દર્શન કરવાની ઉતાવળમાં નાસભાગ મચી હતી. અફરાતફરી વચ્ચે અનેક લોકો ચગદાયા હતા. અનેક લોકોને ઈજા પણ પહોંચી હતી. ઘટના બાદ મંદિર અને મેળાને બંધ કરવામાં આવ્યા હતા.

નાસભાગની ઘટના પછી પટણા કમિશનરને બિહાર શરીફ મોકલવામાં આવ્યા હતા. સીએમે મુખ્ય સચિવને બનાવની તપાસના નિર્દેશ આપ્યા હતા. દીપનગર થાણાના એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક