અમેરિકા જમીની આક્રમણ કરે તો ઈરાનમાં તૈનાત થશે પુતિનનાં વિશ્વાસુ લડવૈયા
નવી દિલ્હી, તા.31: જમીની લડાઈમાં
મહારથી ગણાતાં અને આવા યુદ્ધમાં લાંબો સમય સુધી ટકી રહેવાની ક્ષમતા ધરાવતા ચેચેન લડાયકોની
હવે ઈરાન યુદ્ધમાં એન્ટ્રી થવાની ચર્ચાએ જોર પકડયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર
પુતિનના સૌથી વિશ્વાસુ માનાતા ચેચેન ફાઇટર્સે ઈરાનમાં લડવા માટે તૈયારી દેખાડી દીધી છે. ઈરાની સરકારી મીડિયા પ્રેસ ટીવીના અહેવાલ
મુજ, ચેચેન લડાયક એકમોએ જાહેરાત કરી છે કે જો અમેરિકા દ્વારા ઈરાનમાં જમીન પરથી હુમલો
કરવામાં આવશે તો તેઓ ઈરાની સશસ્ત્ર દળોને મદદ કરવા માટે ત્યાં તૈનાત થવા તૈયાર છે.
1990ના દાયકામાં અને 2000ની શરૂઆતના
વર્ષોમાં ચેચેન વિદ્રોહીઓએ પુતિનને કઠિન પડકાર આપ્યો હતો અને રશિયા માટે મોટી સમસ્યા
બન્યા હતા. બીજા ચેચેન યુદ્ધ દરમિયાન આ ઉગ્રવાદીઓએ ગેરિલા હુમલા, આત્મઘાતી વિસ્ફોટ
અને મોસ્કો સહિત અનેક શહેરોમાં આતંકી પ્રવૃત્તિઓ અંજામ આપેલા. 2002નું મોસ્કો થિયેટર
સંકટ અને 2004નો બેસલાન સ્કૂલ હુમલો રશિયાની આંતરિક સુરક્ષા માટે ગંભીર ઝટકો સાબિત
થયા હતા.
હવે આ જ ચેચેન લડવૈયાઓ પુતિનના
વિશ્વાસુ સહયોગી બની ગયા છે. ઈરાનના સરકારી ટીવી પ્રેસ ટીવીએ પોતાના અહેવાલમાં જણાવ્યું
છે કે જો ઈરાનમાં અમેરિકા ગ્રાઉન્ડ ઓપરેશન કરે તો તેનો જવાબ આપવા માટે ચેચેન લડવૈયાઓ
ઈરાનમાં ઉતરશે.