• મંગળવાર, 10 માર્ચ, 2026

ઈરાનના હુમલાથી હવે ઉશ્કેરાયું સાઉદી અરબ

સાઉદીએ કહ્યું, હુમલા થંભશે નહીં તો ઈરાનને ગંભીર નુકસાન વેઠવું પડશે : યુએઈની ધીરજ પણ ખૂટી

 

નવી દિલ્હી, તા. 9 : અમેરિકા અને ઈઝરાયલ દ્વારા હુમલા થયા બાદ ઈરાન છેલ્લા 10 દિવસથી ખાડી દેશોને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલામાં અમેરિકી સૈન્ય છાવણીઓની સાથે સાઉદી અરબ અને અન્ય દેશોની રિફાઈનરી અને રહેણાક વિસ્તારને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. ખાડી દેશોએ અત્યારસુધી સંયમથી કામ રાખીને બન્ને પક્ષોને વાતચીતની અપીલ કરી છે. જો કે હવે આ દેશોની ધીરજ ખૂટી રહી છે. પોતાની રિફાઈનરીઓ ઉપર હુમલા થતા સાઉદી અરબે ઈરાનને હવે ચેતવણી આપી છે.

સાઉદી અરબે ઈરાનને આગાહ કર્યું છે કે, જો હવે  અરબ દેશો ઉપર હુમલા કરવામાં આવશે તો અત્યારસુધીનું સૌથી મોટું નુકસાન ઉઠાવવું પડશે. સાઉદીનું નિવેદન એક ડ્રોન હુમલા બાદ આવ્યું છે. જેમાં તેના સૌથી મોટા શાયબા તેલ ક્ષેત્રને નિશાન બનાવવામાં આવ્યું હતું. સાઉદી અરબે ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશકિયન દ્વારા શનિવારે આપેલા નિવેદનને પણ ફગાવી દીધું હતું, જેમાં ઈરાને દાવો કર્યો હતો કે ખાડી દેશો ઉપરના હુમલા હવે રોકી દેવાયા છે.

સાઉદી અરબના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, ઈરાને હુમલા ન કરવાની વાતનો અમલ કર્યો નથી. ઈરાને પોતાનું આક્રમણ યથાવત્ રાખ્યું છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ઈરાની હુમલાનો અર્થ તણાવમાં વૃદ્ધિ છે. જેની વર્તમાન અને ભવિષ્યના સંબંધો ઉપર ગંભીર અસર જોવા મળશે. યુએઈએ પણ ઈરાનને નિશાને લીધું છે. યુએઈએ પોતાના પહેલા હુમલામાં ઈરાનના એક પ્લાન્ટ ઉપર પ્રહાર કર્યો હતો.

 

અબુધાબીમાં ઇઅઙજ મંદિર યુદ્ધ વચ્ચે બંધ

 

મંદિરની અંદર થતી રહેશે પ્રાર્થના : લોકોને સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવા અપીલ

નવી દિલ્હી, તા. 9 : સંયુક્ત અરબ અમીરાતની રાજધાનીમાં આવેલું બીએપીએસ મંદિર વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને અસ્થાયી રૂપથી બંધ કરી દેવાયું છે.મંદિર પ્રશાસને ઘોષણા કરી છે કે મંદિર સોમવારથી આગામી આદેશ સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે.

મંદિરમાં રહેનાર સ્વામી અને સંત નિયમિત રીતે મંદિરની અંદર પૂજા અને પ્રાર્થના કરતા રહેશે. મંદિર પ્રશાસન અનુસાર તેઓ દેશ અને દુનિયામાં શાંતિ, સુરક્ષા અને તમામ લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરશે. મંદિર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંત રહે, કોઈપણ પ્રકારની અફવાથી બચે અને સંભવ હોય ત્યાં સુધી ઘરમાં જ રહે. સાથે આગ્રહ કર્યો છે કે સરકારી એજન્સી દ્વારા અપાતા સત્તાવાર દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે.

સંયુક્ત અરબ અમિરાતની રાજધાનીમાં બનેલું બીએપીએસ મંદિર યુએઈમાં બનેલું સૌથી મોટું હિંદૂ મંદિર છે. જે ભારતીય વાસ્તુકળા, સંસ્કૃતિ અને આસ્થાનું અનોખું પ્રતિક છે. મંદિર અંદાજીત 27 એકરમાં ફેલાયેલું છે. જે ઉત્તર ભારતની પ્રાચીન મંદિર વાસ્તુકળાનું પ્રતિનિધિત્વ કરે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક