• મંગળવાર, 10 માર્ચ, 2026

ગોંડલના રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાને ક્લીનચિટ

SIT દ્વારા કેસમાં ગણેશ જાડેજા વિરુદ્ધ કોઈ પુરાવા નહીં હોવાનો હાઇ કોર્ટમાં રિપોર્ટ : 29 જૂનની મુદત પડી

 

ગોંડલ, તા.9 : ગોંડલ જ નહીં પણ ગુજરાતભરમાં બહુ ગાજેલા રાજકુમાર જાટ કેસમાં આખરે ગણેશ ગોંડલને એસઆઇટી દ્વારા ક્લીનચિટનો રિપોર્ટ અપાયો છે. હાઇકોર્ટમાં આ મામલે 29 જૂનની મુદત મુક્કર કરાઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં પાંઉભાજીનો ધંધો કરતા મૂળ રાજસ્થાનનાં રતનલાલ જાટનાં પુત્ર રાજકુમારનો મૃતદેહ કુવાડવા નજીક મળી આવ્યાં બાદ રતનલાલ જાટ દ્વારા પોતાના પુત્રની ગણેશ ગોંડલનાં ઇશારે હત્યા કરાઇ હોવાના આક્ષેપ કરાયાં હતાં. રાજકુમાર જાટના મૃત્યુના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યાસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ ઉપર મૃતકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. બનાવમાં સ્થાનિક પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા તપાસ કરી હતી. જેમાં આ ઘટના અકસ્માતની હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બીજીબાજુ મૃતકના પરિવારજનો દ્વારા ગુજરાત હાઈકોર્ટેમાં પિટિશન કરવામાં આવી હતી અને પોતાના પુત્રની હત્યા કરવામાં આવી હોવાની અરજી કરી હતી. આ તપાસ કરવા માટે કોર્ટના આદેશથી એસઆઈટીની રચના કરવામાં આવી હતી. જેમાં તપાસ ટીમે બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ, અકસ્માતના બસ ડ્રાઈવરનું નિવેદન, ગણેશ ગોંડલ અને સાથીઓના નિવેદન વિવિધ પાસાઓની ત્રણ મહિના સુધી તપાસ કરી મૃત્યુ અકસ્માતને થયું હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યાસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલનો કોઈ હાથ નહીં હોવાનું રિપોર્ટ જણાવવામાં આવ્યું. હાઈકોર્ટમાં રિપોર્ટ ગણેશ ગોંડલને ક્લીનચિટ મળી જતા તા.29 જૂન, 2026ના રોજ મુદત આપવામાં આવી છે. રાજકુમાર જાટનાં મોતના મામલામાં આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક