રામોલમાં અગાઉ સિનિયર સીટીઝનને ભોગ બનાવવા બદલ આ ગેંગના 3 શખસ પકડાયા હતા
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.9: અમદાવાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી
સંપર્ક કરી વેપારીઓ અને સિનિયર સીટીઝનને હનીટ્રેપમાં ફસાવતી એક હાઈ પ્રોફાઈલ ગેંગ રામોલ
પોલીસના સકંજામાં આવી છે. માતા, પત્ની અને પ્રેમિકાના સહયોગથી ચાલતા આ ગોરખધંધામાં
નકલી પોલીસ બનીને લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા. પોલીસે આ મામલે વધુ ત્રણ આરોપીઓની
ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ છ લોકો પકડાયા છે.
ઝોન-5
એલસીબી અને રામોલ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રવિન્દ્રકુમાર હડવદિયા, તેની પ્રેમિકા
ગીતાબહેન ગોહીલ અને નાઝ ઉર્ફે કિંજલ પટેલની ધરપકડ કરી છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી મુજબ,
નાઝ ઉર્ફે કિંજલ સોશિયલ મીડિયા દ્વારા આર્થિક રીતે સદ્ધર વેપારીઓ કે સિનિયર સીટીઝન
સાથે મિત્રતા કેળવતી હતી. ત્યારબાદ તેમને વિશ્વાસમાં લઈ હોટેલ અથવા પોતાના ફ્લેટ પર
મળવા બોલાવતી હતી.
જ્યારે
શિકાર નિયત સ્થળે પહોંચે ત્યારે ગેંગના અન્ય સભ્યો પોલીસ બનીને ત્રાટકતા હતા. મુખ્ય
આરોપી રવિન્દ્ર હળવદિયા પોતાની ઓળખ નકલી પીઆઈ તરીકે આપતો હતો જ્યારે અગાઉ પકડાયેલા
તેના સાથીદારો કોન્સ્ટેબલ બનીને શિકારને ધમકાવતા હતા. બદનામીના ડરથી લોકો પાસેથી આ
ગેંગ લાખો રૂપિયા પડાવી લેતી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ માત્ર
અમદાવાદ જ નહીં પરંતુ વડોદરા, જામનગર, પાલિતાણામાં પણ 20થી વધુ લોકોને હનીટ્રેપમાં
ફસાવ્યા છે.