પોસ્ટ બજેટ વેબિનાર સંબોધતા વડાપ્રધાન : ભવિષ્યમાં જરૂરી કૌશલ્યો હોવા અનિવાર્ય
નવી દિલ્હી, તા. 9 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પોસ્ટ બજેટ વેબિનારને સંબોધતાં
કહ્યું હતું કે, ભારત દેશ હવે ગતિભેર સંશોધન પ્રેરિત અર્થતંત્ર ભણી આગળ વધી રહ્યો છે.
વડાપ્રધાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને ડિજિટલ અર્થવ્યવસ્થાને દેશના ઉજ્જવળ
ભવિષ્ય માટે જરૂરી લેખાવ્યા હતા. લાંબા સમય સુધી વિકાસને જાળવી રાખવા માટે ભારતે એઆઈ,
ઓટોમેશન, ડિજિટલ અર્થવ્યવસ્થા જેવાં ઊભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે,
તેવું સૂચન તેમણે કર્યું હતું.
મોદીએ કહ્યું હતું કે, વૈશ્વિક
સ્તર પર સ્પર્ધામાં ટકી રહેવા માટે આ નવાં ક્ષેત્રોને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
વડાપ્રધાને શિક્ષણ અને રોજગાર
વચ્ચે સીધો સંબંધ બનાવવા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, આપણે શિક્ષણ વ્યવસ્થા અને વાસ્તવિક
અર્થવ્યવસ્થાને જોડવા પડશે. આવનારા સમયમાં માનવબળ માટે ‘ફ્યુચર રેડી સ્કિલ્સ’ એટલે
કે, ભવિષ્યની જરૂરતને નજર સામે રાખીને કૌશલ્ય હોવું અનિવાર્ય છે, તેવું મોદી બોલ્યા
હતા.