ઈરાનમાં 1200, લેબનોનમાં 400નાં મૃત્યુ : ઈઝરાયલથી માંડીને ખાડી દેશોમાં પણ મોટી ખુવારી : હજારો વિસ્થાપિત
અમેરિકા, ઈઝરાયલનો ઈરાદો દેશને
ખંડિત કરીને ઓઈલ હડપ કરવાનો : ઈરાન
નવી દિલ્હી, તા.9: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલનાં
યુદ્ધનાં આજે 10મા દિવસે પણ બન્ને તરફથી ઘાતકી મિસાઈલો અને ડ્રોનનાં ધાણીફૂટ હુમલા
ચાલી રહ્યાં છે. આ દરમિયાન ઈરાને અયાતુલ્લા ખામેનીનાં અનુગામી તરીકે તેમનાં જ પુત્ર
મોઝ્તબા ખામેનીને સુપ્રીમ લીડર નિયુક્ત કરી દીધાં છે. જો કે મોઝ્તબા ખામેનીની નિયુક્તિની
ઘોષણા બાદ ઈઝરાયલે એક ચોંકાવનારા દાવામાં કહ્યું હતું કે, તેનાં હુમલામાં મોઝ્તબા ખામેની
પણ ઘાયલ થઈ ગયા છે. ઈરાનનાં વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે
કે, અમેરિકા અને ઈઝરાયલનાં આ હુમલા દેશનું વિભાજન કરીને ઓઈલનાં ભંડારોને અવૈધ રીતે
હડપ કરી જવાનાં ઈરાદેથી કરી રહ્યાં છે. બીજીબાજુ અમેરિકા તરફથી સત્તાવાર રાહે પોતાનાં
8મા સૈનિકનાં મૃત્યુની પુષ્ટિ આપવામાં આવી હતી.
રવિવારની રાતે મોઝ્તબા ખામેનીને
ઈરાનનાં નવા સર્વોચ્ચ નેતા ઘોષિત કરવામાં આવ્યા હતાં. અયાતુલ્લા અલી ખામેની બાદ તેઓ
ઈરાનનાં ત્રીજા શીર્ષ નેતા છે. મોઝ્તબા ખામેનીને 88 મૌલવીની પરિષદે નિર્ણાયક મતદાનથી
ઈરાનનાં નવા સર્વોચ્ચ નેતા ચૂંટયા હતાં. અમેરિકા અને ઈઝરાયલે નવા સુપ્રીમ લીડરની નિયુક્તિ
થાય તો તેને પણ નિશાન બનાવવાની ધમકી આપેલી અને મોઝ્તબાનાં નામની ઘોષણા બાદ ઈઝરાયલનાં
મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઈઝરાયલનાં હુમલામાં મોઝ્તબા પણ ઘાયલ થઈ ગયા છે.
જો કે ઈરાનમાંથી હજી સુધી આની કોઈ પુષ્ટિ આવી નથી.
આ ભીષણ યુદ્ધનાં 10 દિવસમાં ઈઝરાયલ
અને ઈરાનમાં ભારે ખાનાખરાબી મચી છે. આ ઉપરાંત ખાડી દેશોમાં પણ તબાહીનાં નજારા ખડા થઈ
ગયા છે. બન્ને તરફ લોકો મરી રહ્યાં છે અને માળખાઓ ધ્વસ્ત થઈ ગયા છે. ઈરાનનાં સ્વાસ્થ્ય
મંત્રાલયનાં પ્રવક્તા હુસૈન કરમાનપુરે એક્સ ઉપર એક ટમાં જણાવ્યું હતું કે, ઈરાનમાં
નાગરિકોને ભારેખમ નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 1200થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે
અને 10 હજારથી વધુ લોકો ઘાયલ છે. મૃત્યુ પામેલા લોકોમાં 200 બાળક અને 200 મહિલાઓ પણ
સામેલ છે. આ ઉપરાંત 1400 મહિલા પણ ઘાયલ થયેલી છે.
ઈરાને કરેલા હુમલામાં થયેલી ખુવારીનાં
આંકડા તપાસવામાં આવે તો ઈઝરાયલમાં 13 મૃત્યુ અને 2 હજાર ઘાયલ, જોર્ડનમાં 14 ઘાયલ, કુવૈતમાં
6 મૃત્યુ અને ડઝનબંધ ઘાયલ, બહેરીનમાં 1 મૃત્યુ અને 40 ઘાયલ, કતરમાં 16 ઘાયલ, સાઉદી
અરેબિયામાં 2 મૃત્યુ અને 12 ઈજાગ્રસ્ત, યુએઈમાં 4 મૃત્યુ અને 112 ઘાયલ, ઓમાનમાં 1 મૃત્યુ
અને પ ઘાયલ થયા છે. બીજીબાજુ ઈઝરાયલનાં આક્રમણમાં લેબનોનમાં 394નાં મૃત્યુ અને 1 હજારથી
વધુ ઈજાગ્રસ્ત થયા છે. લેબનોનમાં પ0 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા હોવાનું જાણવા મળે
છે.
ઈઝરાયલ અને અમેરિકાનાં આક્રમણમાં
ઈરાનની સ્વાસ્થ્ય સુવિધાઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે. 2પ હોસ્પિટલોમાં નુકસાન થયું
છે અને તેમાંથી 9 સંદતર બંધ થઈ ગઈ છે. 18 ઈમરજન્સી સ્વાસ્થ્ય કેન્દ્ર અને 14 એમ્બ્યુલન્સ
બરબાદ થઈ ગઈ છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(હુ) તરફથી
પણ આ ઘાતક બની રહેલી જંગ ઉપર ચિંતા પ્રગટ કરવામાં આવી છે. હુનાં વડા ટેડ્રોસ અઘાનોમ
ઘેબ્રેયસસે સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં લખ્યું હતું કે, 1 હજારથી વધુ લોકોનાં મૃત્યુ
અને 10 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા હોવાનું જાણવા મળેલું છે. આ યુદ્ધમાં 16 દેશ
પ્રભાવિત થયા છે. ઈરાનની સ્વાસ્થ્ય સુવિધા ઉપર 13 અને લેબનોનમાં એક હુમલો થયો છે. આ
યુદ્ધથી સ્વાસ્થ્યનું ગંભીર સંકટ પેદા થવાની ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી.
આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો તરફથી
સેટેલાઈટ ઈમેજની કરવામાં આવેલી સમીક્ષામાં બહાર આવ્યું છે કે, 28મી ફેબ્રુઆરીએ આ યુદ્ધ
શરૂ થયું ત્યારેથી હોસ્પિટલો, ઐતિહાસિક સ્થળોમાં ખુબ જ હાનિ થઈ છે. સૈન્ય મથકો પાસેની
હોસ્પિટલો અને નાગરિક સુવિધાઓને પણ બન્ને તરફથી નુકસાન થયું છે.
અમેરિકા અને ઈઝરાયલની મિસાઈલોએ
ધમરોળી નાખ્યા બાદ ઈરાનમાં લોકો વચ્ચે સંપર્ક કઠિન બની ગયો છે. ઈન્ટરનેટ બંધ કરી નાખવામાં
આવેલું છે. ભૂમિગત સ્થિતિનો વાસ્તવિક ચિતાર મળી રહ્યો નથી. શરૂઆતથી અત્યાર સુધીમાં
30 પ્રાંતમાં 148 ઘટનામાં 7પ2 હુમલા કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ઈરાનમાં થયેલા
કુલ હુમલાઓમાંથી 34 ટકા હુમલા એકલા પાટનગર તહેરાનમાં થયા છે. ત્યારબાદ ઈસ્ફહાન, કરમનશાહ
અને ખુઝેસ્તાન, અલ્બોર્જ અને પશ્ચિમી પ્રાંતોમાં ભારે ખુવારી થઈ છે.