• મંગળવાર, 10 માર્ચ, 2026

કાલુપુરના ઝવેરીવાડમાં જૈન દેરાસરમાંથી 7.83 લાખના ચાંદીના દાગીના ચોરાયા

ભેજાબાજ ચોરે દેરાસરમાં લગાવેલા સીસીટીવીના કેબલ કાપી નાંખ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.9: અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં જૈન દેરાસરને ટાર્ગેટ બનાવીને ભગવાનની મૂર્તિ પરના મુકુટ સહિતના ચાંદીના ઘરેણાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

ઝવેરીવાડ પાસેની લહેરીયા પોળ સ્થિત જૈન દેરાસરમાં રવિવારે ચોર ત્રાટક્યો હતો. મંદિરની અંદર મૂર્તિઓ પર ચઢાવાયેલા ચાંદીના ઘરેણાની ચોરી થઈ હોવાની ફરિયાદ મંદિરના ટ્રસ્ટીએ નોંધાવી છે. ચોરી થયેલા ઘરેણાની કુલ કિંમત લગભગ રૂ. 7.83 લાખ આસપાસ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે કાલુપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મંદિરમાં તપાસ કરતા ભગવાનની મૂર્તિ પરના ચાંદીના 3 મુકુટ જેનું વજન આશરે એક કિલો ત્રણસો ગ્રામ થાય તે મળ્યા નહતા. આ સાથે જ 135 નંગ ચાંદીના ટીકા, 11 નંગ કપાલી, 11 ભ્રમર, ચક્ષુ 2 નંગ સહિતના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. ચોર દેરાસરના ગર્ભગૃહના ઉપર બારીના લોખંડના સળિયા અને જાળી કાપીને અંદર પ્રવેશ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ભેજાબાજ ચોરે દેરસારમાં લગાવેલા સીસીટીવીના કેબલ કાપી નાંખ્યા હોવાનું જણાયું હતું. જેને પગલે ચોર એક હતો કે આખી ગેંગ હતી તેનો તાત્કાલિક ખ્યાલ આવી શક્યો નથી.

ઇ-પેપરના નવા શુલ્ક