કાચા તેલના ભાવ સાડા ત્રણ વર્ષની ટોચે : 150 ડોલર સુધી જઈ શકે છે
નવી
દિલ્હી, તા. 9 : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની અસરથી વૈશ્વિક બજારમાં કાચાં
તેલની કિંમત સાડા ત્રણ વર્ષની ટોચ પર પહોંચી ગઈ છે.
ક્રૂડતેલના
ભાવ સોમવારે 25 ટકા વધીને 116 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા હતા. અગાઉ 2022માં રશિયા-યુક્રેન
યુદ્ધનાં કારણે કિંમત 100 ડોલરને પાર ગઈ હતી.
કાચાં
તેલના ભાવમાં ભડકાનાં બે કારણ છે. એક તો લગભગ
167 કિ.મી. લાંબો જળમાર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ લગભગ બંધ થઈ ગયો છે.
બીજાં
કારણમાં ઈરાને કતાર, કુવૈત અને સાઉદી અરેબિયાની ઓઈલ રિફાઈનરીઓ પર હુમલા કર્યા છે. દરમ્યાન,
જાણકારોના મતે તેલની કિંમત 150 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે, જેની અસર હેઠળ
ભારતમાં પેટ્રોલ, ડીઝલના ભાવો વધી શકે છે.
જો
કે, ભારત સરકારનું સ્પષ્ટ કહેવું છે કે, અમારી પાસે તેલનો પર્યાપ્ત પુરવઠો
છે.
ભારત પોતાની ખપતનું 50 ટકા કાચું તેલ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ના રસ્તેથી જ ખરીદે છે.
યુદ્ધ
28 ફેબ્રુઆરીના શરૂ થયા પછીથી અત્યાર સુધી 10 દિવસમાં કાચાં તેલની કિંમત 60 ટકા જેટલી
વધી ગઈ છે.
ક્રૂડની
કિંમત 200 ડોલરે લઈ જવી હોય તો રમત ચાલુ રાખો : ઈરાનની અમેરિકાને ધમકી
તેહરાન,
તા. 9 : અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન સાથેનો સૈન્ય સંઘર્ષ હવે એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને
નિશાન બનાવવા સુધી પહોંચી રહ્યો છે. આ દરમિયાન ઈરાનની સેનાના પ્રવક્તા ઈબ્રાહિમ જુલ્ફિગારીએ
કહ્યું હતું કે, અમેરિકા દ્વારા ઈરાનના ઉર્જા માળખા ઉપર બોમ્બમારાથી યુદ્ધનો નવો અધ્યાય
શરૂ થયો છે. આ સાથે જુલ્ફિગારીએ ચેતવણી આપી હતી કે અમેરિકા અને તેના સહયોગી ક્રૂડની
કિંમત 200 ડોલર પ્રતિ ડોલર સુધી ચુકવવા માટે તૈયાર હોય તો તે આ રમત ચાલુ રાખી શકે છે.
હકીકતમાં જુલ્ફિગારીએ ઈશારો કર્યો હતો કે ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર હુમલાની અસર વૈશ્વિક
તેલ બજાર ઉપર પડી શકે છે.
સાઉદીએ
ઘટાડયું ક્રૂડનું ઉત્પાદન
નવી
દિલ્હી, તા. 9 : સાઉદી અરબે ક્રૂડ ઉત્પાદનમાં કાપ શરૂ કર્યો છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ
લગભગ પૂરી રીતે બંધ થવાથી સ્ટોરેજ ટેન્ક ભરાવા લાગી છે. દુનિયાના સૌથી મોટા ક્રૂડ નિકાસકારનાં
રૂપમાં સાઉદી અરબ અમુક સપ્લાયને લાલ સાગરના રસ્તે યાનબુ પોર્ટ તરફ વાળવાની કોશિશમાં
છે પણ પાઇપલાઇનની સીમિત ક્ષમતાનાં કારણે પૂરતી સફળતા મળી રહી નથી. મીડલ ઇસ્ટમાં ચાલી
રહેલી લડાઈના બીજા અઠવાડિયામાં દુનિયાના લગભગ 20 ટકા સમુદ્રી ક્રૂડ વ્યાપાર માટે મહત્ત્વપૂર્ણ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વ્યવહારિક રીતે બંધ થયું છે.
હવે
મોટાભાગે માત્ર ઈરાની સપ્લાય જ પસાર થઈ રહી છે જ્યારે અન્ય દેશના જહાજ હુમલાના ડરે
થંભી ગયા છે. જેનાથી ખાડી દેશોમાંથી ક્રૂડની નિકાસ બંધ થઈ છે.
ઓઈલની
આગમાં શેર બળ્યાં, રોકાણકારો દાઝ્યા
ક્રૂડ
ઓઈલ 100 ડોલરને વળોટી જતાં વૈશ્વિક બજારોમાં કડાકા : સેન્સેક્સ 1352 અને નિફ્ટી
422 પોઈન્ટનાં ગાબડાં સાથે બંધ
નવી
દિલ્હી, તા.9: ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણે ક્રૂડ ઓઈલનાં ભાવમાં ઘડકો કરી
નાખ્યો છે. બ્રેંટ ક્રૂડ ઓઈલનો ભાવ 10પ ડોલર થઈ ગયો હતો અને કોમોડિટી બજારમાં આજે ક્રૂડ
ઓઈલનો ભાવ 10 હજારની સપાટીને સ્પર્શી જતાં દુનિયા સાથે ભારતીય શેરબજારમાં પણ હાહાકાર
મચી ગયો હતો. જેમાં નાસભાગ મચી હોય તેવી વેચવાલીમાં આજે બીએસઈનો શેરઆંક સેન્સેક્સ
1.71 ટકા એટલે કે 13પ2 અંક તૂટીને 77પ66નાં સ્તરે અને એનએસઈનો ઈંડેક્સ નિફ્ટી 422 પોઈન્ટ
તૂટીને 24028નાં સ્તરે બંધ આવ્યો હતો. અમેરિકા અને ઈઝરાયલે તહેરાનનાં ઓઈલ ભંડારોને
નિશાન બનાવ્યા બાદ ઓઈલની અછત સર્જાવાની દહેશત ફેલાઈ ગઈ છે. વળી, ઈરાને દાવો કર્યો છે
કે, અમેરિકાની નજર ઈરાનનું ઓઈલ હડપ કરી જવા ઉપર છે. યુદ્ધનાં હિસાબે ઈરાને સ્ટ્રેટ
ઓફ હોર્મુઝમાં ઓઈલ પરિવહન ખોરવાતા ઓઈલનું સંકટ ઝળુંબતું જ હતું અને તેમાં બળતામાં ઘી
હોમવાનું કામ ઈઝરાયલે ઈરાનનાં ઓઈલ ભંડારો ઉપર હુમલાએ કર્યું છે. વળી સ્થિતિ વધુ વકરી
જવાની હોવાની આગાહી કતારનાં ઊર્જા મંત્રીએ કરી નાખી હતી. તેમનાં કહેવા અનુસાર જો આ
સ્થિતિ યથાવત્ રહેશે તો ઓઈલનો ભાવ 1પ0 ડોલરને પણ આંબી જઈ શકે છે.
ભારતીય
શેરબજારમાંથી વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ગત વર્ષથી પલાયન શરૂ કરી દીધું છે અને વર્તમાન
સંજોગોએ તેમની રવાનગીને વધુ તીવ્ર બનાવી નાખી છે. જેનાં હિસાબે ઘરેલું સંસ્થાગત રોકાણકારોની
મોટી ખરીદી પણ શેરઆંકોને બચાવી શકી નથી.
બજારમાં
અનિશ્ચિતતાનો અંદાજ ઈન્ડિયા વિક્સ(વોલેટિલિટી ઈંડેક્સ) ઉપરથી પણ લગાવી શકાય છે. જેમાં
21 ટકાનો ઉછાળો નોંધાયો છે. ઈન્ડિયા વિક્સ વધીને 24.04નાં સ્તરે પહોંચ્યો છે. ઘરેલું
બજારમાં પીએસયુ બેન્ક પ ટકા, ઓટો 4 ટકા, ફાયનાન્સિયલ 3.7 ટકા, મીડિયા 3.4 ટકા અને મેટલ
સેક્ટર 3 ટકા તૂટી ગયા છે. એફએમસીજી, આઈટી અને ફાર્મા જેવા ક્ષેત્રોનાં શેરઆંકમાં પ્રમાણમાં
ઓછો ઘટાડો દેખાઈ રહ્યો છે.
રાંધણ
ગેસનો બાટલો 25 દિવસ પછી જ નોંધાશે
નવી
દિલ્હી, તા.9: ઈરાન યુદ્ધનાં પરિણામે દુનિયામાં ઈંધણની કટોકટી સર્જાવા લાગી છે. જેમાં
ભારતમાં રાંધણગેસની અછતનાં અણસાર વર્તાવા લાગ્યા છે. રાંધણ ગેસનાં ભાવમાં વધારા બાદ
હવે તંગીની સ્થિતિમાં સંગ્રહખોરી અને કાળાબજારને પણ કાબૂમાં રાખવા માટે સરકાર તરફથી
આજે મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. એલપીજીનાં બૂકિંગની સમય અવધિ હવે 21 દિવસથી
વધારીને 2પ દિવસ કરી નાખવામાં આવી છે. એટલે કે, ગેસનાં એક સિલિન્ડરની ડિલિવરી થયા બાદ
2પ દિવસ પહેલા બીજો બાટલો બૂક કરાવી શકાશે નહીં. સામાન્ય સંજોગોમાં પપ દિવસે બાટલો
નોંધાવતા હોય તેવા લોકો પણ 1પ દિવસ પછી તરત જ બીજો સિલિન્ડર નોંધાવતા થઈ ગયા હોવાનાં
કિસ્સાઓ સામે આવ્યા બાદ નિયમમાં આ સુધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલ-ડીઝલનાં
ભાવ માટે એવું જાણવા મળે છે કે, જ્યાં સુધી ક્રૂડ ઓઈલનો ભાવ 130 ડોલર પ્રતિ બેરલથી
વધશે નહીં ત્યાં સુધી દેશમાં ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.
આ ઉપરાંત
સરકારે રિફાઈનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાનો આદેશ પણ અગાઉ આપેલો છે. કંપનીઓને કોમર્શિયલને
બદલે રાંધણગેસનાં પુરવઠા ઉપર વધુ ધ્યાન આપવાની સૂચના પણ અપાઈ છે. અખાતનાં દેશોમાંથી
ગેસનો પુરવઠો ખોરવાતા સરકારે હવે એલપીજી માટે અન્ય દેશો તરફ પણ નજર દોડાવવા માંડી છે.
આનાં માટે અલ્જીરિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, નોર્વે જેવા દેશો તરફથી ભારતનો સંપર્ક પણ
સાધવામાં આવ્યો છે જ્યારે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં પણ વધારાની ભીતિ છે ત્યારે આ બારામાં
કહેવામાં આવે છે કે, ક્રૂડ ઓઈલનો ભાવ 130 ડોલર પ્રતિ બેરલની ઉપર નહીં જાય ત્યાં સુધી
દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારવામાં નહીં આવે. દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે
સંસદમાં આજે ધરપત આપતાં કહ્યું હતું કે, તાત્કાલિક અસરથી દેશમાં મોંઘવારી ફાટી નીકળે
તેવું જણાતું નથી.