• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

અમદાવાદમાં અકસ્માતે છૂટેલી ગોળીથી પત્નીનું મૃત્યુ થતાં પતિનો પણ આઘાતમાં આપઘાત

-શક્તિસિંહ ગોહિલના કૌટુંબિક ભત્રીજા મેરીટાઇ બોર્ડમાં કલાસ 1 તરીકે ફરજ બજાવતા યશરાજસિંહના બે મહિના પહેલા જ લગ્ન થયા’તા : કારણ અંગે પોલીસ દ્વારા તપાસ

અમદાવાદ, તા.22: અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઇ ટાવરમાં કોંગ્રેસ નેતા શક્તાસિંહ ગોહિલના ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજાસિંહ દુર્ગેશાસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગવાની ઘટના બનતાં તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી તો તેમને તપાસ કરીને પત્નીના મૃત્યુના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

દંપતીના મૃત્યુના મામલે એ ડિવિઝન એસીપી જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે રાત્રે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. યશરાજાસિંહ ગોહિલની લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી ફાયારિંગ થયું હતું, જેમાં પત્નીને માથાના ભાગે ગોળી વાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, ગોળી વાગ્યા બાદ યશરાજાસિંહે પોતે જ 108ને ફોન કરીને જાણ કરી હતી અને પોતાની માતાને પણ કહ્યું હતું કે ભૂલથી ગોળી વાગી ગઈ છે. જોકે, પત્નીના કરુણ મૃત્યુથી આઘાતમાં આવી ગયેલા યશરાજાસિંહે ત્યારબાદ પોતે પણ ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું.

બન્ને મૃતકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને આખી ઘટનામાં લાયસન્સ વાળા હથિયારનો ઉપયોગ થયો છે. સત્ય જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (એફપીએમ) કરાવવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ હત્યા હતી કે અકસ્માતે થયેલું ફાયારિંગ તે સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે અને પરિવારના નિવેદનો બાદ આ લોહિયાળ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર 108 ઇમરજન્સી સેવાને રાત્રે 11.45 કલાકે કોલ મળ્યો હતો. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતાં તેઓ મૃત હતાં, જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી, જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં બન્નેના મૃતદેહને ભાવનગરના લીમડા ગામે લઈ જવામાં આવ્યા છે, જ્યાં દંપતીના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવશે.

બનાવની જાણ થતાં જ અમિત ચાવડા, મનીષ દોશી સહિતના કોંગ્રેસના નેતાઓ અમદાવાદ સિવિલ પહોંચી ગયા હતા, સાથે જ ભાજપનેતા ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમા પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે શક્તાસિંહને મળી સાંત્વના આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક