• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

બંગલાદેશે કર્યો ભારતમાં T-20 વિશ્વકપ રમવાનો બહિષ્કાર

-ICCની ભારતમાં રમવાની શરતનું પાલન કરવા ઈનકાર : ખેલાડીઓ સાથેની બેઠક બાદ બંગલાદેશી સરકારના ખેલ સલાહકારે કહ્યુyં, સુરક્ષા સાથે સમજૂતી નહીં

 

ઢાકા, તા. 22 : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ચેતવણી અને અલ્ટીમેટમ છતાં પણ બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) ખેલાડીઓ અને વચગાળાની સરકારના ખેલ સલાહકારે ટી20 વિશ્વકપને લઈને પોતાના વલણ ઉપર અડગ રહેવાનો નિર્ણય કર્યો છે અને બંગલાદેશે આગામી ટી20 વિશ્વકપ ભારતમાં રમવાનો  બહિષ્કાર કરી દીધો છે. બંગલાદેશે સાફ કરી દીધું છે કે જ્યાં સુધી મેચનું સ્થળ ભારતથી બદલીને શ્રીલંકામાં ન કરવામાં આવે ત્યાં સુધી ટીમ વિશ્વકપમાં ભાગ લેશે નહી. તેવામાં હવે આઈસીસી બંગલાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને વિશ્વકપમાં સામેલ કરે તેવી સંભાવના છે. આ મામલે આઈસીસી દ્વારા સત્તાવાર રીતે માહિતી જાહેર કરવામાં આવશે.

ખેલાડીઓસાથેની મહત્ત્વની બેઠક બાદ બંગલાદેશના ખેલ સલાહકાર આસિફ નઝરુલે આઈસીસી ઉપર ગંભીર આરોપ મુક્યા હતા. નઝરુલે કહ્યું હતું કે, આઈસીસીએ બંગલાદેશ સાથે ન્યાય કર્યો નથી અને ખેલાડીઓની સુરક્ષાને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. આસિફ નઝરુલના કહેવા પ્રમાણે સરકાર, ક્રિકેટ બોર્ડ અને ખેલાડી ત્રણેય એકમત છે કે સુરક્ષા સાથે કોઈપણ સ્થિતિમાં સમજૂતી કરવામાં આવશે નહીં.

આસિફ નઝરુલે કહ્યું હતું કે, બંગલાદેશ કોઈના દબાણમાં નમશે નહીં. દુનિયાએ પણ સમજવું જોઈએ કે જો બંગલાદેશ વિશ્વકપ નહી રમે તો તેનું શું પરિણામ આવશે. તેઓ ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરશે નહીં. બેઠક બાદ બંગલાદેશ ક્રિકેટ બોર્ડે ફરીથી કીધું હતું કે, તેનો નિર્ણય અટલ છે. બોર્ડના કહેવા પ્રમાણે વર્તમાન સ્થિતિમાં ભારત જઈને રમવું સુરક્ષિત નથી અને આ માટે સ્થળ બદલીને શ્રીલંકામાં રાખવું જોઈએ. જો કે આઈસીસીએ પહેલાથી સાફ કહી દીધું છે કે ટૂર્નામેન્ટના મેચ ભારતથી બહાર જશે નહી.

આઈસીસીએ બંગલાદેશ ક્રિકેટ બોર્ડની 21 જાન્યુઆરીના થયેલી બેઠકમાં મેચ ઉપર મોટો નિર્ણય કર્યો હતો. ત્યારે બંગલાદેશે ભારત બહાર કોઈ અન્ય દેશમાં મેચનો અનુરોધ કર્યો હતો. આ પ્રસ્તાવને વોટિંગ માટે રાખવામાં આવ્યો હતો. જેમાં બીસીબીને કારમી હારનો સામનો કરવો પડયો હતો. 16 દેશના મતદાનમાં 14એ બંગલાદેશ વિરુદ્ધ મત આપ્યો હતો જ્યારે માત્ર બે દેશ પાકિસ્તાન અને બંગલાદેશે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. બાદમાં આઈસીસીએ કહ્યું હતું કે, ભારતના કોઈપણ આયોજન સ્થળે બંગલાદેશી ખેલાડી, અધિકારી કે ચાહકોની સુરક્ષાને જોખમ નથી. આ માટે મુકાબલા નક્કી સ્થળે જ થશે.

હવે બંગલાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી હટી ગઈ હોવાથી સ્કોટલેન્ડની ટીમ વિશ્વકપમાં સામેલ થઈ શકે છે. આઈસીસી બોર્ડ ટીમ રેન્કિંગના આધારે ટૂર્નામેન્ટમાં બંગલાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કરવાનો નિર્ણય લઈ શકે છે. આઈસીસીના વર્તમાન રેન્કિંગમાં સ્કોટલેન્ડ 14મા સ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક