• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મહારાષ્ટ્રમાં 6 લાખ કરોડ રોકશે અદાણી જૂથ

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જાહેરાત સરકાર સાથે એમઓયુ

 

દાવોસ, તા.21: વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠકમાં અદાણી ગ્રુપે મહારાષ્ટ્રમાં 6 લાખ કરોડનું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકાર સાથે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરારમાં રોકાણના રોડમેપને ઔપચારિક બનાવવામાં આવ્યો હતો. ગ્રુપે જણાવ્યું હતું કે આ રોકાણ ફક્ત બાંધકામ ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત નહીં હોય, પરંતુ રોજગાર, શહેરી વિકાસ અને ગ્રીન એનર્જીને પણ વેગ આપશે.

દાવોસમાં અદાણી ગ્રુપે આગામી વર્ષોમાં રોકાણ યોજનાઓ વિશે માહિતી આપી હતી. અદાણી જૂથના પ્રસ્થાવિત રોકાણો ઉડ્ડયન, સ્વચ્છ ઊર્જા, શહેરી માળખાગત સુવિધા, ડિજીટલ પ્લેટ ફોર્મ અને અદ્યતન ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં આગામી દસ વર્ષમાં તબક્કાવાર કરવામાં આવશે.

જૂથ દેશના સૌથી પડકારજનક શહેરી પ્રોજેક્ટસમાના એક એવા ધારાવીના પુનર્વિકાસને પ્રાધાન્ય આપશે. આ યોજના હેઠળ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીને વ્યવસ્થિત અને આર્થિક રીતે સક્ષમ વિસ્તારમાં રૂપાંતરીત કરવામાં આવશે. જેનાથી અહીંના રહીશો માટે રહેવાની, કામ કરવાની અને વ્યવસાયિક સુવિધાઓમાં સુધારો થશે.

અદાણી ગ્રુપ નવી મુંબઇને એક મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે વિકસાવી રહ્યું છે. 25 ડિસેમ્બરથી કાર્યરત નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાન મથક મુંબઇની આસપાસના ક્ષેત્રમાં હવાઇ મુસાફરી ક્ષમતામાં વધારો તેમજ લોજિસ્ટિકસ, હોટેલ ઉદ્યોગ અને વ્યાપારી વિકાસને વેગ આપશે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ગ્રુપના રોકાણોનું આયોજન લાંબા ગાળાના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ રોકાણો ભવિષ્ય માટે તૈયાર ઇન્ફ્રાસ્ટ્રકચર  પ્લેટ ફોર્મ બનાવવા પર કેન્દ્રિત છે જે આગામી 7-10 વર્ષોમાં આર્થિક વૃદ્ધિ, ઊર્જા પરિવર્તન અને ડિજીટલ વિસ્તરણને મજબૂતી આપનારા બનશે.’

આગામી 7થી 10 વર્ષમાં તબક્કાવાર થનારા આ રોકાણમાં 3,000 મેગાવોટની ક્ષમતા ધરાવતા ગ્રીન ડેટા સેન્ટર પાર્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એરપોર્ટ નજીક એક એરેના ડિસ્ટ્રિક્ટ, કોલસા આધારિત પ્રોજેક્ટસ, 8,700 મેગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટ તેમજ સેમિકડન્ક્ટર અને ડિસ્પલે ફેબ્રિકેશન યુનિટ જેવી

યોજનાઓ છે.

ઇ-પેપરના નવા શુલ્ક