• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ગિલ ઝીરોમાં અને જાડેજાના 7 રન : પહેલા દિવસે 23 વિકેટનો કડૂસલો

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના 172 સામે પંજાબ 139 રનમાં ઢેર : બીજા દાવમાં સૌરાષ્ટ્રના 3/24

રાજકોટ તા.22: અહીંના નિરંજન શાહ સ્ટેડિયમના ગ્રાઉન્ડ સીની ટર્નિંગ પિચ પર સૌરાષ્ટ્ર-પંજાબ વચ્ચેના રણજી ટ્રોફી મેચના પ્રથમ દિવસે 23 વિકેટનો કડૂસલો થયો હતો. પંજાબનો કપ્તાન અને ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટર શુભમન ગિલ ખાતું પણ ખોલાવી શકયો ન હતો. તો સૌરાષ્ટ્રનો સ્ટાર ઓલરાઉન્ડ રવીન્દ્ર જાડેજા 7 રનના આંકડે પહોંચી શકયો હતો. સૌરાષ્ટ્ર ટીમ પહેલા દાવમાં 172 રને ઓલઆઉટ થઇ હતી. જયારે પંજાબનો પહેલો દાવ 139 રને સમાપ્ત થયો હતો. પહેલા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રે બીજા દાવમાં 24 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આથી તે હવે પ7 રને આગળ છે અને 7 વિકેટ હાથમાં છે.

સૌરાષ્ટ્ર તરફથી પહેલા દાવમાં યુવા બેટર જય ગોહિલે 82 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. જયારે પ્રેરક માંકડે 32 રન કર્યાં હતા. બાકીના તમામ બેટર નિષ્ફળ રહ્યા હતા. હાર્વિક 13, ચિરાગ 8, અર્પિત 2, રવીન્દ્ર 7 અને સમર ગજજર ઝીરોમાં આઉટ થયા હતા. પંજાબ તરફથી હરપ્રિત બ્રારે 38 રનમાં 6 વિકેટ લીધી હતી. આથી સૌરાષ્ટ્રનો પ્રથમ દાવ 47.1 ઓવરમાં 172 રને સમાપ્ત થયો હતો.

આ પછી દાવમાં આવેલી પંજાબ ટીમ પણ સ્પિન જાળમાં ફસાઇને 40.1 ઓવરમાં 139 રને ઢેર થઇ હતી. આથી સૌરાષ્ટ્રને 33 રનની સરસાઇ મળી હતી. પંજાબનો કેપ્ટન શુભમન ગિલ બે દડાનો સામનો કરી ઝીરોમાં આઉટ થયો હતો. પ્રભસિમરને 44, ઉદય સહરાને 23 અને અનમોલપ્રિતે 3પ રન કર્યાં હતા. સૌરાષ્ટ્ર તરફથી પાર્થ ભુતને 33 રનમાં પ વિકેટ મળી હતી. રવીન્દ્ર જાડેજા અને ધર્મેન્દ્ર જાડેજાને 2-2 વિકેટ મળી હતી.

સૌરાષ્ટ્રે બીજા દાવનો પણ નબળો પ્રારંભ કરીને પહેલા દિવસના અંતે 6 ઓવરમાં 24 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. હાર્વિક 6, ચિરાગ પ અને જય 8 રને આઉટ થયા હતા. નાઇટવોચ મેન ધર્મેન્દ્ર જાડેજા પ રને અણનમ રહ્યો હતો. પંજાબ તરફથી હરપ્રિત બ્રારે 2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક