• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

સુનીતા વિલિયમ્સની અંતરીક્ષની સફર પૂરી : નાસામાંથી નિવૃત્તિ

-ત્રણ મિશન હેઠળ કુલ 608 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા : 62 કલાક કર્યું સ્પેસ વોક

નવી દિલ્હી, તા. 21 : ભારતીય મૂળનાં અંતરીક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સે નાસાને અલવિદા કહી દીધું છે. તેમણે 27 વર્ષ બાદ અમેરિકી સ્પેસ એજન્સીમાંથી નિવૃત્તિ લીધી છે. નાસાએ એલાન કર્યું છે કે વિલિયમ્સની નિવૃત્તિ ગયા વર્ષે 27 ડિસેમ્બરથી જ પ્રભાવી થઈ છે. 8 દિવસની અંતીમ યાત્રા ઉપર અંતરીક્ષમાં ગયેલા સુનિતા વિલિયમ્સ અંદાજિત 9 મહિના બાદ પરત ફરી શકી હતી. વર્તમાન સમયે તે ભારતમાં છે.

અમેરિકી નૌકાદળના પૂર્વ કેપ્ટન વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર,1965ના અમેરિકાના ઓહાયોના યૂક્લિડમાં થયો હતો. તેમના પિતા દીપક પંડયા ગુજરાતી હતા અને મેહસાણા જિલ્લાના રહેવાસી હતા જ્યારે માતા ઉર્સુલિન બોની પંડયા સ્લોવેનિયાનાં હતાં. નાસા એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને કહ્યું હતું કે, સુનીતા માનવ અંતરીક્ષ યાનમાં એક પાયનિયર રહ્યા છે. તેમણે સ્પેસ સ્ટેશન ઉપર પોતાનાં નેતૃત્વ મારફતે એક્સપ્લોરેશનનાં નવાં ભવિષ્યને આકર આપ્યો છે અને લો અર્થ ઓર્બિટના મિશનો માટે રસ્તો તૈયાર કર્યો છે. તેમણે સુનિતા વિલિયમ્સને નિવૃત્તિ ઉપર શુભકામના આપી હતી અને દેશ માટેની સેવા બદલ આભાર માન્યો હતો.

વિલિયમ્સ 1998માં નાસા માટે પસંદ થયાં હતાં. તેમણે ત્રણ મિશન હેઠળ કુલ 608 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા છે. આ ઉપરાંત નવ વખત કુલ 62 કલાક અને છ મિનિટ અંતરીક્ષમાં સ્પેસવોક કર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક