મને કાયદા પર પૂરો વિશ્વાસ, ભવિષ્યમાં પણ તપાસમાં સહકાર આપીશ : માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર થતા સાડા ત્રણ કલાક મેરેથોન પૂછપરછ
રાજકોટ, ભાવનગર તા.21 : બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતા સીટ સમક્ષ હાજર થયા હતા. બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસ મામલે સીટ દ્વારા જયરાજ આહીરની સાડા ત્રણ કલાક મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી.
નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. બે દિવસ પહેલાં સીટ સમક્ષ નિવેદન આપવા આવેલા બાલધિયાએ હુમલા કેસને લઈ સીટને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો
કર્યો હતો.
બગદાણા હુમલા કેસ મામલે રચાયેલી સીટએ સમન્સ પાઠવતા જયરાજ આહીર આજે સાંજે 5 કલાકે સીટ સમક્ષ હાજર થયા હતા. સીટએ સાડા ત્રણ કલાક લાંબી પૂછપરછ કરી હતી. પૂછપરછ પૂર્ણ થયા બાદ કચેરીની બહાર આવેલા જયરાજ આહીરે કહ્યું હતું કે, મને જે સવાલ કરાયા હતા તેના મેં જવાબ આપ્યા છે. મને કાયદા પર પૂરો વિશ્વાસ છે. મને ભવિષ્યમાં આ કેસ સંબંધિત જ્યારે પણ બોલાવાશે ત્યારે હું હાજર રહીશ.
નવનીત બાલધિયા પર થયેલા હુમલાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા બાદ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. ટીમ દ્વારા કેસ સાથે સંકળાયેલા પોલીસ ઈન્સ્પેક્ટરો અને ભોગ બનનાર નવનીત બાલધિયાનું નિવેદન લીધા બાદ જયરાજ આહીરને હાજર થવા સમન્સ પાઠવવામાં આવતા તે હાજર થયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, હુમલાનો ભોગ બનનાર યુવાન નવનીત બાલધિયાએ સીટ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ હુમલા પાછળ જયરાજ આહિરનો જ હાથ છે અને આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં અમારા સમાજનું સંમેલન બોલાવવામાં આવશે.