• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

બેઉ બળિયા બાથે વળગ્યા...

યુરોપની ટ્રમ્પ સામે ખૂલ્લી ટક્કર : ટ્રમ્પે કહ્યું, ગ્રીનલેન્ડ અમારા હાથમાં જ સુરક્ષિત


નવી દિલ્હી, તા. 21 : ગ્રીનલેન્ડ મુદ્દે હવે યુરોપ અને અમેરિકા ખુલીને આમને સામને આવી ગયા છે. દાવોસમાં ચાલી રહેલા વિશ્વ આર્થિક મંચ ઉપરથી યુરોપીયન નેતાઓ દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંએ કહ્યું હતું કે, દુનિયા હવે નિયમો વિનાની દિશામાં જઈ રહી છે. વર્તમાન સમયે આંતરરાષ્ટ્રીય કાયદાને પગેથી કચડવામાં આવી રહ્યા છે અને માત્ર શક્તિશાળી હોવું જ નિયમ હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ યુરોપીયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વાન ડેરે કહ્યું હતું કે, ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પે લાદેલા ટેરિફનો આકરો જવાબ આપવામાં આવશે. બ્રિટિશ સાંસદે તો ટ્રમ્પને ગેંગસ્ટર ગણાવી દીધા હતા. આ ઉપરાંત કેનેડાના પીએમએ પણ કહ્યું હતું કે અમેરિકી નેતૃત્વની વૈશ્વિક વ્યવસ્થાનો સમય હવે ગયો છે અને પાછો આવશે નહી. બીજી તરફ ટ્રમ્પે દાવોસમાં સંબોધન કરતા ટેરિફ નીતિ, વેનેઝુએલા સામેની કાર્યવાહી અને ગ્રીનલેન્ડની માગને યોગ્ય ઠેરવી હતી. ટ્રમ્પે યુરોપની ઓળખ ઉપર સવાલ ઉઠાવ્યો હતો અને કેનેડા તો અમેરિકાના કારણે જ છે તેવું કહ્યું હતું. આ ઉપરાંત ગ્રીનલેન્ડની રક્ષા માત્ર અમેરિકા જ કરી શકે તેમ છે એવું કહીને આ વિસ્તાર ઉપર કબજો કરવાનો વિચાર ફરીથી રજૂ કર્યો હતો. તેમજ નાટો ઉપર હવે પોતાને ભરોસો રહ્યો ન હોવાનું કહ્યું હતું.

 

ગુંડાગીરીને બદલે નિયમનું પાલન જરૂરી

અમેરિકી નેતૃત્વની વૈશ્વિક વ્યવસ્થાનો સમય હવે ગયો : કેનેડીયન પીએમ

નવી દિલ્હી, તા. 21 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક અને ભૂ-રાજનીતિક નીતિઓ અને હરકતોનાં કારણે વૈશ્વિક સ્તરે મોટા બદલાવનાં એંધાણ જોવા મળી રહ્યા છે. છેલ્લા અમુક દિવસથી ટ્રમ્પ ગ્રીનલેન્ડ ઉપર કબજા માટે આક્રમક નિવેદનો આપી રહ્યા છે અને યુરોપ ઉપર સતત દબાણ ઉભું કરી રહ્યા છે. જેનાં પરિણામે હવે યુરોપીયન યુનિયનમાં સામેલ દેશો દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ટ્રમ્પનો પ્રતિકાર કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કેનેડા દ્વારા પણ હવે ટ્રમ્પ વિરુદ્ધ મોરચો માંડવાની તૈયારી થઈ છે. જેના આસાર દાવોસમાં વિશ્વ આર્થિક મંચમાં જોવા મળ્યા હતા. સંમેલનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંએ અમેરિકી દાદાગીરીની ચર્ચા કરતા કહ્યું હતું કે દુનિયા એવી દિશામાં જઈ

રહી છે    જ્યાં આંતરરાષ્ટ્રીય કાયદાને પગ નીચે કચડવામાં આવી રહ્યા છે અને માત્ર શક્તિશાળી હોવાનો કાયદો જ મહત્ત્વનો છે તેવું લાગી રહ્યું છે. કેનેડાના પીએમએ દાવોસમાં વૈશ્વિક કુટનીતિનાં જૂનાં પુસ્તકનાં પાનાં ફાડી નાખતા કહી દીધું હતું કે જૂનો સમય હવે પરત આવશે નહીં. અમેરિકી નેતૃત્વની વૈશ્વિક વ્યવસ્થાનો સમય હવે પૂરો થયો છે અને જૂના નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય કાયદાની ધારણાઓ હવે કામ કરી રહી નથી.

દાવોસમાં પોતાનાં ભાષણથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોંએ સનસની મચાવી દીધી હતી. મેક્રોંએ વિશ્વની બગડતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાના ભાષણમાં ‘બુલીઝ’ જેવા શબ્દોનો પ્રયોગ કરતા બળજબરીને બદલે સન્માન અને નિયમ આધારિત વ્યવસ્થાને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. મેક્રોંએ નામ લીધા વિના પણ સ્પષ્ટ રીતે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે દુનિયા એક નિયમ વિનાનાં વિશ્વ તરફ આગળ વધી રહી છે. જેમાં આંતરરાષ્ટ્રીય કાયદાને પગ નીચે કચડવામાં આવી રહ્યા છે.

મેક્રોંએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એકત્રિત થયેલા નેતાઓને સંબોધન કરતા કહ્યું હતું કે, સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષા ફરીથી ઉભરી રહી છે. આ એક એવી દુનિયા તરફ બદલાવ છે જ્યાં પ્રભાવી સામૂહિક શાસન નહીં પણ બહુપક્ષવાદ દ્વારા એવી શક્તિઓને કમજોર કરવામાં આવી રહી છે જે અડચણો ઉભા કરે છે. તેઓ એવાં આંતરરાષ્ટ્રીય સંગઠનોનાં ઘણાં ઉદાહરણ આપી શકે તેમ છે જેણે મોટી અર્થવ્યવસ્થાઓને કમજોર કરીને છોડી દીધી છે. હકીકતમાં આ ચિંતાજનક સમય છે.

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પોતાનાં સંબોધનમાં અમેરિકા ઉપર સીધો પ્રહાર કરતા કહી દીધું હતું કે જૂનો સમય હવે પરત આવશે નહીં. અમેરિકી નેતૃત્વની વૈશ્વિક વ્યવસ્થાનો સમય હવે પ્રભાવી રૂપથી પૂરો થયો છે અને જૂની નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની ધારણાઓ હવે કામ કરી રહી નથી.

કાર્નીએ કહ્યું હતું કે, શક્તિશાળી દેશ પોતાની સુવિધા અનુસાર નિયમો તોડતા રહે છે અને વ્યપારના નિયમો એકતરફી રીતે લાગુ કર્યા છે. વૈશ્વિક પરસ્પર નિર્ભરતા હવે સુરક્ષાને બદલે જોખમ બની રહી છે. મોટી શક્તિઓ આર્થિક એકીકરણને હથિયાર બનાવી રહી છે, જે એક સમયે સમૃદ્ધિનું માધ્યમ હતી. ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આવા સમયે કેનેડાએ સિદ્ધાંતવાદી અને વ્યવહારીક નીતિ અપનાવવી પડશે.

દાવોસથી બીજી તરફ ડેનમાર્કના સાંસદ એંડર્સ વિસ્તિસને યુરોપીય સંસદમાં ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પના દાવાઓનો આકરો વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડના ડેનિશ રાજ્યથી 800 વર્ષના સંબંધ ઉપર ભાર મૂકીને હિસ્સો વેચવાનો ઈનકાર કરી દીધો હતો. આ દરમિયાન અમેરિકા માટે અપમાજનક શબ્દોનો ઉપયોગ કરી દેતા સભાપતિએ તેમને રોક્યા હતા અને નિયમો યાદ અપાવ્યા હતા.

યુરોપીયન આયોગનાં અધ્યક્ષ ઉર્સુલા વાન ડેરે ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ મુદ્દે આઠ યુરોપીયન દેશ ઉપર ટેરિફ લાદવાના એલાનને એક ભૂલ ગણાવી હતી અને કહ્યું હતું કે, યુરોપ મળીને યોગ્ય જવાબ આપશે. ઉર્સુલાએ ટ્રમ્પની વિશ્વસનિયતા ઉપર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ગયાં વર્ષે યુરોપ ઉપર નવા શુલ્ક ન લગાડવાની સહમતી બતાવી હતી અને હવે વલણ બદલી ગયું છે.

બ્રિટનના સાંસદ એડ ડેવીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે ટ્રમ્પ એક આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર તરીકે કામ કરી રહ્યા છે. જે વિચારે છે કે તેને જે જોઈએ છે તે બળજબરીપૂર્વક હડપી લેશે. બ્રિટિશ સંસદમાં ડેવીએ કહ્યું હતું કે, ટ્રમ્પ સહયોગી દેશની સંપ્રભુતાને કચડી નાખવાની ધમકી આપી રહ્યા છે. નાટોને પૂરી રીતે ખતમ કરવાની ધમકી આપી રહ્યા છે તેમજ સાત અન્ય યુરોપીયન દેશને અપમાનજનક રીતે હાનિકારક ટેરિફ સાથે મારવાની ધમકી આપી રહ્યા છે.

 

યુરોપ સાચી દિશામાં નથી જઈ રહ્યું, અમેરિકાના કારણે કેનેડા છે : ટ્રમ્પ

 

નવી દિલ્હી, તા. 21 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવોસમાં સંબોધન કરતા કેનેડા, યુરોપને નિશાને લીધું હતું અને આકરા પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે નાટો ઉપર હવે તેમને ભરોસો નથી અને કેનેડા તો અમેરિકાના કારણે જ ટકેલું છે. આ ઉપરાંત ટેરિફ નીતિની તરફેણ કરી હતી અને વેનેઝુએલા ઉપરની કાર્યવાહીને પણ યોગ્ય ઠેરવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે યુરોપ સાચી દિશામાં જઈ રહ્યું નથી. તેઓ એક  નાનકડો ટુકડો ગ્રીનલેન્ડ માગી રહ્યા છે પણ યુરોપ આપવા તૈયાર નથી. ગ્રીનલેન્ડની રક્ષા માત્ર અમેરિકા જ કરી શકે તેમ છે. યુરોપ તો ઘણા ભાગમાં હવે ઓળખાવા લાયક પણ રહ્યું નથી. પોતાના સંબોધનમાં વેનેઝુએલાનો ઉલ્લ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું હતું કે,    ત્યાં અમુક મુશ્કેલી છે પણ અમેરિકા વેનેઝુએલાની મદદ કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે વેનેઝુએલામાં અમેરિકી એક્શન બાદથી તેને ફાયદો થવાનો છે અને દેશ લાંબા  સમય બાદ ખુબ કમાણી કરવાનો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, વેનેઝુએલાના નેતાઓએ અમેરિકા સાથે સમજૂતિ કરીને ખુબ સમજદારી બતાવી છે. હાલમાં વેનેઝુએલામાં બનેલી ઘટનાઓ બાદ ત્યાંની નવી સરકારે અમેરિકા સાથે વાતચીતનો રસ્તો પસંદ કરીને ડીલ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ અનુસાર અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે પાંચ કરોડ બેરલ તેલની સમજૂતિ થઈ છે. જેના હેઠળ અમેરિકાની મોટી ક્રૂડ કંપનીઓને વેનેઝુએલામાં લઈ જવાશે અને બન્ને દેશ મળીને ક્રૂડથી થતી કમાણી પરસ્પર વહેંચશે.

ટ્રમ્પે કહ્યું હતું કે ટેરિફ નીતિના કારણે અમેરિકાને પોતાના વ્યાપાર નુકસાનને ઘટાડવામાં સફળતા મળી છે. ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે કરેલી વેપાર સમજૂતિની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ સમજૂતિઓ આર્થિક વિકાસને વધારે છે અને શેર બજારમાં તેજી લાવે છે.

ટ્રમ્પે યુરોપીયન નેતાઓ ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે, યુરોપના ઘણા ભાગ હવે ઓળખાવા લાયક પણ રહ્યા નથી. યુરોપની ઈમિગ્રેશન પોલિસી અને આર્થિક નીતિએ વિનાશકારી પરિણામ આપ્યા છે. બીજી તરફ અમેરિકામાં ચમત્કાર જોવા મળ્યો છે. તેઓને યુરોપથી પ્રેમ છે અને ઈચ્છે છે કે યુરોપ આગળ વધે. જો કે યુરોપ સાચી દિશામાં જઈ રહ્યું નથી. આર્થિક મામલામાં યુરોપે અમેરિકા જેવું બનવું જોઈએ અને અમેરિકા જે કરે છે તે કરવું જોઈએ.

ટ્રમ્પે અમેરિકાની આર્થિક નીતિ અંગે કહ્યું હતું કે દેશમાં આવક અને મોંઘવારી જેવા મુદ્દે સફળતા મળી છે. આ સ્થિતિ તમામ દેશો માટે સારી છે કારણ કે અમેરિકા વિકાસ કરે તો પૂરી દુનિયા વિકાસ કરે છે. આ સાથે બાઈડન પ્રશાસનની નિંદા કરતા કહ્યું હતું કે બે વર્ષ પહેલા અમેરિકા મૃત હતું, જે તેમના કાર્યકાળમાં ફરીથી જીવંત બન્યું છે. આ અગાઉ ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે દાવોસમાં ફરીથી આવીને સારૂ લાગી રહ્યું છે. કાર્યક્રમમા બિઝનેસ લિડર્સ, ઘણા મિત્ર અને અમુક દુશ્મન હાજર છે.

ટ્રમ્પે ગ્રીનલેન્ડ અંગે કહ્યું હતું કે ગ્રીનલેન્ડ અને ડેનમાર્કના લોકોનું  તેઓ સન્માન કરે છે. અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગ્રીનલેન્ડની મદદ કરી હતી. ગ્રીનલેન્ડની રક્ષા અમેરિકા સિવાય કોઈ કરી શકે તેમ નથી. માત્ર અમેરિકા જ ગ્રીનલેન્ડને બચાવી શકે છે. તેઓ માત્ર ગ્રીનલેન્ડ માગી રહ્યા છે જે અમેરિકાનું હતું. અમેરિકા મોટી સૈન્ય શક્તિ છે. તેઓ સૈનાનો ઉપયોગ કરવા માગતા નથી. અમેરિકાની સુરક્ષા માટે ગ્રીનલેન્ડ જરૂરી છે. ટ્રમ્પે નાટો ઉપર પણ ભડાશ કાઢી હતી અને કહ્યું હતું કે દશકો  સુધી નાટોને જે ફંડ આપ્યું તેનાથી બદલામાં ખુબ ઓછું મળ્યું છે. નાટોની તમામ ફંડિંગ અમેરિકાથી જ થાય છે. આ સાથે એમ પણ કહ્યું હતું કે તેઓને નાટો ઉપર ભરોસો નથી. કેનેડા ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કેનેડા અમેરિકાના કારણે જ ચાલી રહ્યું છે. કેનેડાને અમેરિકાથી ઘણું બધું મફતમાં મળે છે. જેના માટે આભારી હોવું જોઈએ પણ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક