• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

ઇન્ડિગોની 300થી વધુ ઉડાન રદ્

સળંગ ત્રીજા દિવસે હવાઇ યાત્રાને સંકટ, નાગરિક ઉડ્ડયન તંત્ર તપાસ કરે છે; સેંકડો યાત્રી પરેશાન

નવી દિલ્હી, તા. 4 : દેશની સૌથી મોટી ઘરેલુ એરલાઈન કંપની ઈન્ડિગોમાં ક્રૂ સ્ટાફની ઘટ અને ડીજીસીએએ લાગુ કરેલા નવા ડયૂટી નિયમોના કારણે ચાલી રહેલું પરિવહન સંકટ ત્રીજા દિવસે પણ જારી રહ્યું હતું. ગુરુવારે દેશના ત્રણ મોટા એરપોર્ટ દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરમાં ઈન્ડિગોની 300થી વધુ ઉડાનો રદ કરી દેવાતાં મોટી સંખ્યામાં યાત્રીઓ પરેશાન થયા હતા.

એક મીડિયા હેવાલ મુજબ, ઈન્ડિગોએ મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર એરપોર્ટ પર 180થી વધુ ઉડાનો રદ કરી હતી, જેમાં મુંબઈ એરપોર્ટ પર 86, બેંગ્લોરમાં 73 અને દિલ્હીમાં 95 ઉડાન રદ થઈ હતી. ઈન્ડિગોની ઓળખ સમયસર ઉડાન ભરવાની કે પહોંચાડનારી એરલાઈન કંપની તરીકે થાય છે, પરંતુ હાલના સંકટે કંપનીની આ ખાસિયતને અસર પહોંચાડી છે.

કંપનીના અધિકારીઓએ કહ્યું હતું કે, ડીજીસીએએ એફડીટીએલના નવા નિયમ લાગુ કરાયા બાદ ક્રૂની ઘટ થઈ છે, તો ડીજીસીએએ કહ્યું કે, ઈન્ડિગોના પરિવહનમાં આવી રહેલી સમસ્યાની તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે, બુધવારે દેશના મુખ્ય છ એરપોર્ટ પર ઓન ટાઈમ પરફોર્મન્સ ઘટીને માત્ર 19.7 ટકા રહ્યું હતું, જે બીજી ડિસેમ્બરના 35 ટકા હતું.

ઇ-પેપરના નવા શુલ્ક