• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

રૂટની ઓસ્ટ્રેલિયામાં પ્રથમ સદી: ડે-નાઇટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના 9/325 રૂટ કેરિયરની 40મી સદી ફટકારી સંગકારાથી આગળ : સ્ટાર્કની 6 વિકેટ

બ્રિસબેન, તા.4 : ઇંગ્લેન્ડના સ્ટાર બેટર અને વિશ્વ નંબર વન જો રૂટે તેની 160 ટેસ્ટની સુદીર્ઘ કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલીવાર સદી ફટકારી છે. રૂટે તેની ટેસ્ટ કેરિયરની 40મી સદી કરી હતી. આથી એશિઝ સિરીઝના બીજા ડે-નાઇટ ટેસ્ટના પહેલા દિવસના અંતે ઇંગ્લેન્ડના 9 વિકેટે 32પ રન થયા હતા. જો રૂટ 202 દડામાં 1પ ચોક્કા અને 1 છક્કાથી 13પ રને નોટઆઉટ રહ્યો હતો. રૂટે ઓસ્ટ્રેલિયામાં 30 ઇનિંગમાં પહેલી સદીનો સ્વાદ ચાખ્યો હતો. તે હવે સંગકારાની 39 સદીથી આગળ થયો છે. ગાબામાં સદી કરનારો રૂટ ઇંગ્લેન્ડનો આઠમો બેટર બન્યો છે. રૂટના સાથમાં 11મા ક્રમના ખેલાડી જોફ્રા આર્ચરે ઝડપી અણનમ 32 રન કર્યા હતા. આ બન્ને વચ્ચે 10મી વિકેટની અતૂટ ભાગીદારીમાં 44 દડામાં 61 રન જોડાઇ ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે ફરી કાતિલ બોલિંગ કરી 71 રનમાં 6 વિકેટ ઝડપી હતી. તેણે સતત ત્રીજી ઇનિંગમાં પહેલી ઓવરમાં વિકેટ ઝડપી છે.

ઇંગ્લેન્ડની 9 વિકેટ 264 રને પડી ગઈ હતી. આ પછી રૂટે પૂંછડિયા ખેલાડી આર્ચરના સાથમાં ટીમનો સ્કોર 9/32પ સુધી પહોંચાડી દીધો હતો. ઇંગ્લેન્ડની શરૂઆત ફરી નબળી રહી હતી. બેન ડકેટ અને ઓલિ પોપ ઝીરોમાં સ્ટાર્કના શિકાર થયા હતા. આ પછી ઝેક ક્રાઉલી અને જો રૂટે ત્રીજી વિકેટમાં 117 રનની ભાગીદારી કરી હતી. ક્રાઉલી 93 દડામાં 11 ચોક્કાથી 76 રને આઉટ થયો હતો. હેરી બ્રુકે ઝડપી 31 રન કર્યા હતા. કેપ્ટન સ્ટોકસ 19 રને રનઆઉટ થયો હતો. જેમિ સ્મિથ શૂન્યમાં પાછો ફર્યો હતો. ગુલાબી દડામાં સ્ટાર્કની 6 વિકેટ ઉપરાંત નેસર અને બોલેન્ડને 1-1 વિકેટ પ્રાપ્ત થઈ હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક