• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

શું ઘૂસણખોરો માટે લાલ જાજમ પાથરવી?: સુપ્રીમ

રોહિંગ્યાનાં મુદ્દે સીજેઆઈ ભડક્યા : સરકારનાં ક્યાં આદેશમાં તેને શરણાર્થી ઘોષિત કરાયા?

નવી દિલ્હી, તા.2: રોહિંગ્યા સમુદાય સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને અરજદારને આકરા સવાલો કર્યા હતાં. કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે, રોહિંગ્યાની કાનૂની સ્થિતિ નક્કી કર્યા વિના તેમનાં અધિકારો વિશે ચર્ચા થઈ શકે નહીં. આ સાથે અદાલતે એવું પણ પૂછ્યું હતું કે, શું ભારત સરકારે તેમને શરણાર્થી ઘોષિત કર્યા છે? શું ઘૂસણખોરો માટે લાલ જાજમ પાથરવી?

દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ(સીજેઆઈ) જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની પીઠ એક હેબિયસ કોર્પસ અરજી ઉપર સુનાવણી કરી રહી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, મે માસમાં દિલ્હી પોલીસે કેટલાક રોહિંગ્યા લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમનો કોઈ પત્તો મળતો નથી. અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે તેમને તેમનાં દેશમાં પરત મોકલવા હોય તો પણ કાનૂની પ્રક્રિયા અનુસાર થવું જોઈએ.

શરૂઆતમાં સીજેઆઈએ કેન્દ્ર સરકાર તરફથી કોઈપણ અધિકૃત જાહેરનામાનો અભાવ દર્શાવતા પૂછ્યું હતું કે, ભારત સરકારનો ક્યો આદેશ તેમને શરણાર્થી ઘોષિત કરે છે? જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરે તો શું આપણી પાસે તેમને રાખવા માટે બાધ્યાતા છે? જો કોઈનો કાનૂની દરજ્જો ન હોય તો તે ઘૂસણખોર છે. તો શું આપણી જવાબદારી બને છે કે, આપણે તેને અહીં રાખીએ? જો કોઈ પાસે ભારતમાં રહેવાનો કાનૂની અધિકાર ન હોય તો તે ઘૂસણખોર છે. તો શું આપણે ઉત્તર ભારતની બેહદ સંવેદનશીલ સીમા ઉપર આવેલા કોઈપણ ઘૂસણખોર માટે લાલ જાજમ પાથરીને સ્વાગત કરવાનું? જો કે અરજદારનાં વકીલ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, તે રોહિંગ્યા માટે શરણાર્થીનો દરજ્જો નથી માગતા બલ્કે એવી માગ કરે છે કે, તેમનાં દેશનિકાલની પ્રક્રિયા કાયદાકીય રીતે થવી જોઈએ.

જેનાં ઉપર સીજેઆઈએ કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, પહેલા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવામાં આવે છે. સુરંગ ખોદીને, વાડ કાપીને ભારતમાં દાખલ થઈ જવામાં આવે છે. પછી કહેવામાં આવે છે કે, હવે હું ભારતમાં આવી ગયા એટલે મારા ઉપર ભારતનાં કાયદા લાગુ થાય, મને ભોજન, રહેઠાણ, બાળકોને શિક્ષણ મળવું જોઈએ. શું આપણે કાયદાને આવી રીતે ખેંચીશું? ભારતમાં કરોડો લોકો છે જેનાં ઉપર પહેલા ધ્યાન આપવાની જરૂર છે. જો કે અદાલતે એટલું ચોક્કસ ઉમેર્યું હતું કે, ભારતમાં અવૈધ ઘૂસી આવ્યા હોવા છતાં તેને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવા ન જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક