• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

ભાવનગરમાં હોસ્પિટલના કોમ્પલેક્સમાં આગ, નવજાત શિશુઓ સહિત 19નો બચાવ

પાંચ નવજાત શિશુ, એક સગર્ભાને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડાયા 

આગમાં બેઝમેન્ટમાં રહેલા બાઇક, કાર સહિત 10 વાહનો સળગી ગયા 

ભાવનગર, તા.3 : ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કોમ્પલેક્સમાં બાળકોની હોસ્પિટલ આવેલી છે જેને કારણે દોડાદોડી થઈ ગઈ હતી. લોકોએ અને ફાયર બ્રિગેડના સ્ટાફે નવજાત શિશુઓ સહિત 19 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. બનાવથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. બનાવ સ્થળે કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. આગમાં સદ્ભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ પાંચ બાળકો અને એક સગર્ભાને હોસ્પિટલમાં ખસેડાયા છે. આગમાં ટુ વ્હીલરો અને ફોરવીલરો સહિત 10 વાહનો સળગી ગયા છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આજે સવારે આગ લાગી હતી. આગ ઉપર આવેલી બાળકોની હોસ્પિટલમાં ફેલાતા આગના ધુમાડા નીકળવા લાગ્યા હતા. ભારે દોડાદોડી મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાથે હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડી સીડી મૂકી બાળકોનું રેસ્ક્યુ કરાયું હતું. હોસ્પિટલમાંથી પાંચ બાળક સહિત 19 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું અને તમામને બચાવી લેવાયા હતા. બનાવમાં છેલ્લા 8 દિવસમાં જન્મેલા 7 નવજાત શિશુમાંથી 5ને  સર ટી. હોસ્પિટલમાં તેમજ 2 બાળકોને હનુમંત હોસ્પિટલમાં ખસેડાયા છે. અન્ય સાત વ્યક્તિઓને સ્થળ પર સારવાર આપી હતી. જે બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા છે તે નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલના હોવાનું જાણવા મળ્યું છે. વિકરાળ આગના ધુમાડાના ગોટેગોટા ઉડયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં આગના ધુમાડા નજરે પડયા હતા. લોકોના ટોળેટોળા બનાવ સ્થળે એકઠા થયા હતા.

વિકરાળ આગને કાબુમાં લેવા 5 ફાયર ફાઇટર અને 50થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. 18000 લિટર પાણીનો છંટકાવ કરી ફાયર બ્રિગેડના સ્ટાફ આગને કાબૂમાં લીધી હતી. બનાવની જાણ થતા જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલ,  કમિશનર મીના, જિલ્લા પોલીસ વડા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના અધિકારી પદાધિકારીઓ દોડી આવ્યા હતા. આગમાં બાઈક અને મોટરકાર સહિત 10 વાહન સળગી ગયા હતા.

હોસ્પિટલના બારીના કાચ તોડીને રેસ્ક્યુ

સમીપ કોમ્પલેક્ષમાં ઉપર જવા આવવા માટે એક માત્ર દાદરો છે. અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં લાગેલી આગના ધુમાડાના ગોટા સમગ્ર બિલ્ડીંગમાં ફેલાઈ ગયા હતા. આથી દાદરામાં પણ ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા, તેવામાં જો કોઈ દાદરામાં જાય શ્વાસ રુંધાઈ જાય તેવી સ્થિતિ હતી. આથી હોસ્પિટલમાં બારીના કાચ તોડીને નવજાત શીશુઓને સીડી પરથી નીચે ઉતારાયા હતા. સાથે હોસ્પિટલમાં રહેલા અન્ય સંબંધીઓ અને દર્દીઓને પણ સીડી માર્ગે બહાર કાઢવાની ફરજ પડી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક