• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

પોરબંદરમાં માથાભારે શખસને પકડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

‘તારે દુકાન ચલાવવી હોય તો પૈસા આપવા પડશેની ધમકી આપતો’તો: પકડવા જતા પથ્થરના ઘા કરી પોલીસ વાનના કાચ ફોડી નાખ્યા

પોરબંદર, તા.3: પોરબંદર નજીકના ફટાણા ગામના નામચીન અને માથાભારે શખસે દુકાન ચાલુ રાખવા પેટે હપ્તો માગીને પૈસા પડાવી લેતા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા પોલીસ આ માથાભારે ઈસમને પકડવા ગઈ ત્યારે પોલીસની જીપ ઉપર પથ્થરમારો કરીને કાચ ફોડી ફરજમાં રૂકાવટ કરી પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતા તેની સામે પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કર્યા છે.

ફટાણા ગામમાં નવાપરા વિસ્તારમાં રહેતા અને ચામુંડા પાન નામની દુકાન ધરાવતા રાજુભાઈ બુધાભાઈ બથવાર (ઉં.45)એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તે ગઈકાલે પોતાની દુકાને હતા ત્યારે ગામમાં જ રહેતો માથાભારે શખસ મહેશ રામા બથવાર તેની દુકાને આવીને રૂ.100 માગ્યા હતા. ફરિયાદીને માથાકૂટ કરવી ન હોવાથી રૂ.100 આપી દીધા હતા. થોડીવાર બાદ આરોપી મહેશ દુકાને આવી કહેવા લાગ્યો કે તારે શાંતિથી દુકાન ચલાવી હોય તો હું જ્યારે તારી પાસે રૂપિયા માગુ ત્યારે તારે મને હપ્તા પેટે રૂપિયા આપવા પડશે નહીં આપ તો તને ખોટા કેસમાં ફસાવી દઈશ તેમ દિવ્યાંગ યુવાને પોલીસને જાણ કરી હતી. જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચતા તેને જોઈ નામચીન શખસ મહેશે ઉશ્કેરાઈને પથ્થરનો ઘા કરી પોલીસવાનનો કાચ ફોડી નાખ્યો હતો. બાદ પોલીસે તેને પકડી લઈ પોલીસની ફરજમાં રૂકાવટ સહિત બે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક