નવી
દિલ્હી, તા. 9 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વના આદેશમાં મુંબઈની એક કોલેજે
જારી કરેલા સર્ક્યુલર પર આગામી સુનાવણી સુધી રોક લગાવી સવાલ કર્યો કે હિઝાબ પર જ પ્રતિબંધ
કેમ ? તિલક અને ચાંદલા પર કેમ નહીં ? કોલેજ પ્રશાસને પરિસરમાં હિઝાબ, નકાબ, બુર્ખો,
ટોપી પર પ્રતિબંધ લાદતો આદેશ જારી કર્યો હતો.
ન્યાયમૂર્તિ
સંજીવ ખન્ના અને ન્યાયમુર્તિ સંજય કુમારની ખંડપીઠે કોલેજના આદેશ સામે સવાલ ઉઠાવ્યા
અને ધાર્મિક પ્રતીકો પર ચોક્કસ ચીજો પર જ પ્રતિબંધના કોલેજના નિર્ણયની નિંદા કરી હતી.
કોર્ટે પૂછયું કે કોલેજનો ઈરાદો જો એક સમાન ડ્રેસ કોડ લાગુ કરવાનો હતો તો માત્ર હિઝાબ,
બુર્ખો અને ઈસ્લામી પરિધાનો પર જ પ્રતિબંધ કેમ લગાવ્યો ? જો કોલેજ ખરેખર એક નિષ્પક્ષ
અને સમાન નીતિ લાગુ કરવા ઈચ્છતી હતી તો તિલક અને ચાંદલા જેવા અન્ય ધાર્મિક ચિહ્નો પર
પણ પ્રતિબંધ લગાવવો ન જોઈએ ?
સમગ્ર
મામલો ત્યારે સામે આવ્યો જયારે 9 છાત્રાએ કોલેજના આવા આદેશને કોર્ટમાં પડકાર્યો હતો.
તેમણે કોલેજના આવા આદેશને પોતાના મૌલિક અધિકારના ભંગ તરીકે જોયું હતું. છાત્રાઓનો તર્ક
હતો કે કોલેજનો આ નિર્ણય ન માત્ર બંધારણ દ્વારા અપાયેલ અધિકારનો ભંગ છે પરંતુ તેમની
ધાર્મિક સ્વતંત્રતા પર પણ અંકુશ લગાવે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બોમ્બે હાઈકોર્ટે
ચેમ્બૂર ટ્રામ્બે એજયુકેશન સોસાયટીની એન.જી.આચાર્ય એન્ડ ડીકે મરાઠે કોલેજ દ્વારા હિઝાબ,
બુર્ખો અને નકાબ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પર હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો હતો
અને કહ્યું હતું કે આવો આદેશ છાત્રોના મૌલિક અધિકારનો ભંગ કરતો નથી.