• બુધવાર, 01 મે, 2024

પંજાબ અને મુંબઇને જીતની તલાશ

- સાતમા અને આઠમા ક્રમની આ બન્ને ટીમનું અભિયાન લથડિયા ખાઇ રહ્યંy છે

 

ચંદિગઢ તા.17: પોઇન્ટ ટેબલ પરની નીચેના હાફની બે ટીમ પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ગુરૂવારે ટકકર થશે. ત્યારે બન્ને ટીમનો એકસમાન પ્રયાસ હશે કે લથડિયા ખાઇ રહેલું તેમનું અભિયાન ફરી પટરી પર આવે. બન્ને ટીમ જીતની શોધમાં મેદાનમાં ઉતરશે. પંજાબ કિંગ્સ સાતમા અને મુંબઇ ઇન્ડિયન્સ આઠમા નંબર પર છે. બન્ને ટીમના ખાતામાં 6-6 મેચ બાદ 2-2 જીત સાથે 4-4 પોઇન્ટ છે. આ ઉપરાંત બન્ને ટીમ નેટ રન રેટમાં માઇનસમાં ચાલી રહી છે. બન્ને ટીમ તેમના પાછલા મેચ હારી છે. મુંબઇનો અલ કલાસીકો મુકાબલામાં ચેન્નાઇ સામે પરાજય થયો હતો. જયારે પંજાબે રાજસ્થાન સામે બાજી ગુમાવી હતી.

પંજાબ કિંગ્સના ટોચના ક્રમના બેટધરોએ સારો દેખાવ કરવાની જવાબદારી વધી છે. કારણ કે નિયમત કપ્તાન અને અનુભવી ઓપનર શિખર ધવન ઇજાને લીધે 8-10 દિવસ માટે મેદાન બહાર થઈ ગયો છે. આ સીઝનમાં પંજાબના કેટલાક અજાણ્યા ખેલાડીઓ શશાંકસિંહ, આશુતોષ શર્મા નીચેના ક્રમમાં સારો દેખાવ કરી રહ્યા છે. અર્શદિપ અને રબાડાની બોલિંગ પણ સારી રહી છે. બેયરસ્ટો, પ્રભસિમરન, લિવિંગસ્ટોન અને જિતેશ શર્માના બેટમાંથી રન નીકળી રહ્યા નથી.

બીજી તરફ મુંબઇ ઇન્ડિયન ટીમ પાસે વાપસી કરવાની પર્યાપ્ત ક્ષમતા છે. આ માટે તેમણે સંઘભાવનાથી દેખાવ કરવો પડશે. રોહિત શર્માની સદી છતાં મુંબઇને પાછલા મેચમાં ચેન્નાઇ સામે હાર સહન કરવી પડી હતી. નવા કપ્તાન હાર્દિકના ફોર્મ અને તેની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે. મુંબઇની બોલિંગ માત્ર બુમરાહ પર નિર્ભર રહે છે. બાકીના બોલર્સ રન લૂંટાવી રહ્યા છે. મુંબઈ ટીમને એક સારા સ્પિનરની ખોટ વર્તાઇ રહી છે. ઇશાન કિશનના ફોર્મ વાપસીને લીધે મુંબઈને રાહત મળી છે. જયારે સૂર્યકુમારે ત્રણ મેચમાં મિશ્રિત પરિણામ આપ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક