• મંગળવાર, 30 એપ્રિલ, 2024

મોદી સ્ટેડિયમમાં ગુજરાત જીતનો ક્રમ જાળવી રાખવા માગશે આજે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુકાબલો

અમદાવાદ, તા.16: ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ બે એવી ટીમ છે જે આઇપીએલની વર્તમાન સીઝનમાં સાતત્યસભર દેખાવ કરવામાં સફળ રહી નથી. આ બન્ને ટીમના દેખાવમાં નિરંતરતાનો અભાવ છે. બુધવારના મેચમાં આ બન્ને ટીમ આમને-સામને હશે ત્યારે શુભમન ગિલ અને ઋષભ પંતની ટીમનું એકમાત્ર લક્ષ્ય જીત સાથે પોઇન્ટ ટેબલ પર સ્થિતિ સુધારવાનું હશે. પાછલી બે સીઝનની જેમ ગુજરાત ટાઇટન્સ ટીમ આ વખતે હજુ સુધી શાનદાર દેખાવ કરી શકી નથી જ્યારે ઋષભ પંતનાં આગમન છતાં દિલ્હી કેપિટલ્સની સ્થિતિ સુધરી નથી. 

ગુજરાત ટાઇટન્સ માટે સારી વાત એ છે કે તેણે પોતાના પાછલા મેચમાં પોઇન્ટ ટેબલ પરની ટોચની ટીમ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અંતિમ દડા પર જીત મેળવી હતી. ગિલની ટીમે તેના અભિયાનમાં જો જાન ફૂંકવી હશે તો આવો દેખાવ ચાલુ રાખવો પડશે. ગુજરાત ટીમને તેના મુખ્ય બોલર મોહમ્મદ શમીની સતત ખોટ પડી રહી છે. ઉમેશ યાદવે 7 વિકેટ લીધી છે, પરંતુ પ્રતિ ઓવર 10 રન લૂંટાવી રહ્યો છે. પીંચ હિટર ડેવિડ મિલર હજુ અનફિટ છે. સ્પેંસર જોનસન અને મોહિત શર્માએ તેમની ઇકોનોમી સુધારવી પડશે. રાશિદ ખાન બોલિંગથી તેના શ્રેષ્ઠ ફોર્મમાં નથી. તે હોમ ગ્રાઉન્ડ પર વિકેટની તલાશમાં રહેશે.

બીજી તરફ લખનઉ સામેની જીતથી દિલ્હી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેના ખાતામાં 6 મેચમાં 2 જીતથી 4 અંક છે. પ્લે ઓફમાં બની રહેવા માટે તેણે ગુજરાતની હાર આપવી પડશે. અહીં મળતી હારથી પંતની ટીમની પ્લે ઓફની રાહ ઘણી કઠિન બનશે. દિલ્હીને તેના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવ સફળ વાપસી કરી ચૂક્યો છે. તેની ગૂગલી ગુજરાતના બેટધરો માટે પરીક્ષારૂપ બનશે. દિલ્હી માટે સારી વાત એ છે કે કપ્તાન ઋષભ પંત સારા ફોર્મમાં છે. પ્રત્યેક મેચ બાદ તે વધુ ને વધુ સારો થતો જાય છે. તે ભારતની ટી-20 વિશ્વ કપ ટીમમાં જગ્યા બનાવવા માટે સારી સ્થિતિમાં છે.

અમદાવાદમાં આઇપીએલના અત્યાર સુધી કુલ 30 મેચ રમાયા છે. જેમાં 14 પહેલા બેટિંગ કરનાર અને 16 બાદમાં બેટિંગ કરનાર ટીમે જીત્યા છે. અહીં પહેલી ઇનિંગનો સરેરાશ સ્કોર 173 અને બીજી ઇનિંગનો 1પ8 રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જે પણ ટીમ ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક