સુદર્શનના
અણનમ 77 રન, પડિક્કલ સસ્તામાં આઉટ
લિંકન, તા.7: ન્યૂઝીલેન્ડ સામે 19 નવેમ્બરથી શરૂ
થનારી ટેસ્ટ શ્રેણી પહેલાં ભારતીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાની શાનદાર ફોર્મનું
પ્રદર્શન કર્યું છે. ન્યૂઝીલેન્ડ-એ સામે અહીં રમાઈ રહેલી ત્રીજી અનઓફિશિયલ ટેસ્ટના
પ્રથમ દિવસે જયસ્વાલે 138 બોલમાં 102 રન ફટકારી સતત બીજી ઇનિંગ્સમાં સદી નોંધાવી હતી.
તેની સદી અને સાઈ સુદર્શનના અણનમ 77 રનની મદદથી ભારત-એ ટીમે પ્રથમ દિવસના અંતે 2 વિકેટે
227 રન બનાવી મજબૂત પકડ જમાવી લીધી છે.
ન્યૂઝીલેન્ડ-એ
ટીમે ટોસ જીતી પ્રથમ બાલિંગ પસંદ કરી હતી, પરંતુ જયસ્વાલ અને સાઈ સુદર્શને પ્રથમ
વિકેટ માટે 175 રનની ભાગીદારી નોંધાવી કીવી કેપ્ટનના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો.
જયસ્વાલે આક્રમક અંદાજમાં 127 બોલમાં સદી પૂરી કરી હતી. અગાઉ ક્રાઈસ્ટચર્ચ ખાતે બીજી
ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં પણ તેણે અણનમ 155 રન બનાવ્યા હતા.
પ્રથમ
ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં (17 અને 5) તથા બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં શૂન્ય રને
આઉટ થયા બાદ જયસ્વાલે શાનદાર પુનરાગમન કર્યું છે. ભારતીય ખેલાડી તરીકે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ
પ્રવાસે ગયેલા આ યુવા બેટ્સમેને પરિસ્થિતિ સાથે તાલ મિલાવી લીધો છે. જયસ્વાલ બાદ દેવદત્ત
પડિક્કલ 15 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે ધ્રુવ જુરેલ સુદર્શન સાથે ક્રિઝ પર છે. ખરાબ
હવામાન અને વરસાદનાં વિઘ્નને કારણે પ્રથમ દિવસની રમત નિર્ધારિત સમય કરતાં વહેલી સમાપ્ત
જાહેર કરવી પડી હતી.