• સોમવાર, 09 નવેમ્બર, 2026

પોરબંદર : ઇન્સ્ટાગ્રામ પર સ્કોર્પિયોની જાહેરાત જોઈ ખરીદી કરવા જતા યુવાન સાથે છેતરાપિંડી

ઉનાના દલાલને સુથી પેટે રૂ.50 હજાર આપ્યા બાદ ગાડી અન્યને વેચી દીધી, રકમ પરત ન આપતાં બગવદર પોલીસમાં ફરિયાદ

પોરબંદર, તા.8 : પોરબંદર નજીકના વાછોડા ગામના યુવાનને ઇન્સ્ટાગ્રામ પર સ્કોર્પિયો વેચવાની જાહેરાત જોઈ ગાડી ખરીદવી ભારે પડી હતી. ઉના ખાતે દલાલ મારફતે રૂ.19.55 લાખમાં સોદો નક્કી કર્યા બાદ સુથી પેટે આપેલા રૂ.50 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો. દલાલે ગાડી અન્ય ગ્રાહકને વેચી નાખી હોવાનું જણાવી સુથીની રકમ પરત આપવાનો ઇનકાર કરતાં છેતરાપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

વાછોડા ગામે રહેતા 23 વર્ષીય દીપક વિકમ ગોરાણિયાએ બગવદર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 12 સપ્ટેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર ’કાર ઓટો ઉના’ નામની આઈડીમાં સ્કોર્પિયોનાં વેચાણની રીલ જોઈ હતી. ત્યારબાદ તે મિત્ર કેવલ ઓડેદરા સાથે ઉના જઈ સલમાન મન્સૂરી અને ગાડીના માલિક આકાશ રાજેશને મળ્યો હતો.

રૂ.19.55 લાખમાં સોદો નક્કી થતાં સલમાનના જણાવ્યા મુજબ રૂ.50 હજાર જમા કરાવ્યા હતા અને વેચાણ કરાર પણ કરવામાં આવ્યો હતો. દરમિયાન લોન મંજૂર થયા બાદ દીપકે સંપર્ક કરતાં ગાડી અન્યને વેચી દીધી હોવાનું જણાવાયું હતું. સુથીના પૈસા પરત માગતાં સલમાને ઇનકાર કર્યો હતો. આખરે દીપકે સલમાન મન્સૂરી અને આકાશ

સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક