અમરેલીની
સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને રૂ.18 હજારનો દંડ પણ ફટકાર્યો; સરકારી વકીલની દલીલો
અને પુરાવા બન્યા નિર્ણાયક
અમરેલી,
તા.7: બાબરા ગામમાં રહેતી 14 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની સાથે અવારનવાર સંપર્કમાં
રહી ધમકીઓ આપ્યા બાદ બળજબરીથી દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસકર્મીને કોર્ટે 20 વર્ષની
સખત કેદની સજા ફટકારી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા જ સગીરા પર અત્યાચાર
ગુજારવામાં આવતાં ચકચાર મચી છે.
આ કેસમાં
શિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને હાલ બાબરાની દાનેવનગર સોસાયટીમાં રહેતા રવિરાજાસિંહ
પૃથ્વીરાજાસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ બનાવના ચાર મહિના પહેલાંથી સગીરા
અને તેની માતાને હેરાન કરવાની ધમકીઓ આપી હતી. ઉપરાંત સગીરા સાથે સ્નેપચેટ પર વાતચીત
કરી તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી જાતીય
સતામણી અને હુમલો કર્યો હોવાનો આરોપ હતો.
આ મામલે
બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ અમરેલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો.
સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને લઈ અદાલતે
આરોપીને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે 20 વર્ષની સખત કેદ ઉપરાંત રૂ.18
હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.