નવી દિલ્હી, તા.12: અભિષેક શર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. આ ઝંઝાવાત સાથે તે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત તરફથી સૌથી ઝડપી અર્ધસદી ફટકારનારા બેટ્સમેન બની ગયો છે. તેણે વિરાટ કોહલી અને સંજુ સેમસન જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા છે.
વિરાટ
કોહલીએ વર્ષ 2019માં વેસ્ટ ઇન્ડિઝ સામે 21 બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે સંજુ
સેમસને પણ ચાલુ શ્રેણીના બીજા ટી20 મુકાબલામાં જ 21 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જોકે,
ત્રીજી જ મેચમાં અભિષેકે કેરેબિયન બોલરો પર તૂટી પડીને માત્ર 18 બોલમાં ફિફ્ટી પૂરી
કરી બંને ખેલાડીઓને સંયુક્ત રીતે બીજા સ્થાને ધકેલી દીધા છે. આ યાદીમાં રોહિત શર્માએ
વર્ષ 2016માં 22 બોલ અને વર્ષ 2019માં 23 બોલમાં નોંધાવેલી અડધી સદી સાથે અનુક્રમે
ચોથા અને પાંચમા સ્થાને પોતાની હાજરી જાળવી રાખી છે. મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવે
પણ વર્ષ 2023માં 23 બોલમાં 50 રન કર્યા હતા.