• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ભાવનગરના ઘોઘામાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

આરોપીને ઝડપી પાડવા અને હત્યા પાછળના કારણો શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

(ફૂલછાબ ન્યુઝ)

ભાવનગર, તા. 12 : ભાવનગર જિલ્લાના  ઘોઘાના કસ્બાતીવાડા વિસ્તારમાં રહેતા મોઈન મોહસિન નામના યુવાન પર અસલમ મહેબુબ નામના શખસે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા આ મામલો હવે હત્યામાં પલટાઈ ગયો છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ, ઘોઘાના કસ્બાતીવાડામાં રહેતા મોઈન મોહસિન પર અસલમ મહેબુબે અચાનક તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલો એટલો જીવલેણ હતો કે યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. બનાવ બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં રહેલા યુવાનને તુરંત જ ઘોઘાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબિયત વધુ નાજુક અને ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત મોઈનનું મૃત્યુ નીપજ્યું હતું. યુવાનના મૃત્યુ બાદ સામાન્ય હુમલાનો ગુનો હવે હત્યામાં ફેરવાઈ ગયો છે.  આ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. નાનકડા ઘોઘા ગામમાં દિવસના અચાનક બનેલી આ હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને સ્થાનિક રહેવાસીઓમાં શોક તેમજ ડરનો માહોલ છવાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આરોપીને ઝડપી પાડવા અને હત્યા પાછળના અસલી કારણો શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા આસપાસના લોકોના નિવેદનો લેવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક