• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

સોનાની ખાણ પર હવાઈ હુમલા, સુદાનમાં 72 શ્રમિકોનાં મૃત્યુ

ગરીબ શ્રમજીવીઓ નિશાને, જ્યાં-ત્યાં વિખેરાયા મૃતદેહો

 

નવી દિલ્હી, તા. 12 ઃ ઉત્તર સુદાનમાં સોનાંની ખાણો પર થયેલા ભીષણ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 72 શ્રમિકોનાં દર્દનાક મોત થયા છે. સ્થાનિક માનવાધિકાર સંગઠન ‘ઇમર્જન્સી લોયર્સ’ અનુસાર, આ હવાઈ હુમલામાં નાનાપાયે સોનાંનું ઉત્ખનન કરતા ગરીબ શ્રમિકો નિશાન બન્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ વિસ્તારમાં બનેલી આ બીજી મોટી ગોઝારી ઘટના છે.

માનવાધિકાર સંસ્થાએ આ હવાઈ હુમલા માટે ઈજિપ્તની વાયુસેનાને જવાબદાર ઠેરવી છે. સંસ્થાનું કહેવું છે કે, સરહદ પારથી કરવામાં આવેલો આ પ્રકારનો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાઓનો સ્પષ્ટ અનાદર અને ઉલ્લંઘન છે. જો કે, ઈજિપ્તની સેના કે વિદેશ મંત્રાલય દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર સામે આવેલા ભયાનક દૃશ્યોમાં ખાણના કાટમાળ વચ્ચે અનેક મૃતદેહો  વિખરાયેલા જોવા મળ્યા હતા.

સુદાનમાં સેના અને અર્ધસૈનિક દળો વચ્ચે ચાલી રહેલા ભીષણ ગૃહયુદ્ધનાં કારણે લોકોની આજીવિકાના અન્ય તમામ સાધનો ઠપ થઈ ગયા છે. જેના પરિણામે ઉત્તરી સુદાનમાં અસ્થાયી રૂપે સોનાંનું ઉત્ખનન કરતા શ્રમિકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. 

બંને સંઘર્ષરત જૂથો માટે સોનું રોકડ કમાવવાનો મુખ્ય સ્ત્રોત બની ગયું છે અને નિષ્ણાતોના મતે આ સોનાંનો મોટો જથ્થો ઈજિપ્તમાં ગેરકાયદેસર રીતે તસ્કરી કરીને મોકલવામાં આવે છે. સુદાનમાં વધી રહેલા ગૃહયુદ્ધમાં હવે ડ્રોન અને હવાઈ હુમલાઓ પ્રાથમિક હથિયાર બની ગયાં છે, જેના કારણે સામાન્ય નાગરિકોના મોટાપાયે મોત થઈ રહ્યાં છે. 

જિબુતી પાસે હોડી પલટતાં 139 પ્રવાસીનાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 12 ઃ જિબુતીના તટ પાસે લગભગ 350 પ્રવાસીઓને લઈ જઈ રહેલી એક હોડ પલટવાથી ઓછામાં ઓછા 139 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં 15 બાળક પણ સામેલ છે. 84થી વધારે લોકો હજી પણ લાપતા હોવાનું સામે આવ્યું હતું. આ દુર્ઘટના સમયે હોડી જિબુતીથી યમન તરફ જઈ રહી હતી.  આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠન (આઇઓએમ)એ જાણકારી આપતા કહ્યું હતું કે, સ્થાનિક અધિકારી લાપતા લોકોની તલાશ માટે મોટાપાયે શોધ અને બચાવ અભિયાન ચલાવી રહ્યા છે.

આઈઓએમ અનુસાર બરામદ કરવામાં આવેલા મૃતદેહોમાં 52 પુરુષ, 42મહિલા અને 15 બાળકો સામેલ છે. ભીષણ બોટ દુર્ઘટનામાં 80થી વધારે લોકો જીવિત બચવામાં સફળ રહ્યા છે અને આ તમામ ઇથિયોપિયન નાગરીક હતા. એજન્સીએ કહ્યું હતું કે તેની ટીમો સ્થાનિક અધિકારીઓ સાથે મળીને જીવિત બચેલા લોકોને ચિકિત્સા સહિતની સહાય ઉપલબ્ધ કરાવી રહી છે જ્યારે મૃતકોના સન્માનજનક અંતિમસંસ્કાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

અહેવાલ મુજબ હોડી ઉપર સવાર 15 લોકોને પહેલા યમનથી પરત મોકલી દેવાયા હતા. જો કે લોકોએ ફરીથી સમુદ્ર પાર કરવાની કોશિશ કરી હતી. આઇઓએમના આંકડા અનુસાર 2025માં યમન જતા સમુદ્રી રસ્તે 900થી વધારે પ્રવાસીનાં મૃત્યુ થયાં છે અથવા તો લાપતા થયા છે. આ અગાઉ માર્ચ 2026માં એક જહાજ ડૂબવાથી નવાનાં મૃત્યુ થયાં હતાં અને 45 લાપતા થયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક