• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

બલોચ હુમલામાં 13 પાક સૈનિકનાં મૃત્યુ

ગ્વાદરમાં બીએલએની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કોસ્ટગાર્ડ નિશાને

ઇસ્લામાબાદ, તા. 12 : બલુચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, બલુચિસ્તાન ગ્વાદર જિલ્લાના જિવાણીમાં બે બોટ પર થયેલા હુમલામાં પાકિસ્તાની કોસ્ટગાર્ડના 13 જવાનો માર્યા ગયા છે. સમૂહે કહ્યું કે, આ ઓપરેશનને તેની દરિયાઈ ઈકાઈ, હમ્માલ મેરીટાઈમ ડિફેન્સ ફોર્સએ અંજામ આપ્યો છે.

11 ઓક્ટોબરના એક નિવેદનમાં બીએલએએ દાવો કર્યો કે, હુમલામાં પાકિસ્તાનના કોસ્ટગાર્ડની બે બોટને નિશાન બનાવવામાં આવી અને તેમાં 13 જવાનો માર્યા ગયા છે. સમૂહે આ ઓપરેશનની જવાબદારી પણ લીધી છે.

બીએલએના પ્રવક્તા જીયંદ બલુચનાના જણાવ્યા પ્રમાણે સંગઠને 13 એપ્રિલ, 2026ના રોજ પોતાની મેરીટાઈમ વિંગ બનાવી હતી, જેણે પોતાનું પહેલું દરિયાઈ ઓપરેશન એક દિવસ પહેલાં, 12 એપ્રિલે મીલ તિયાબ વિસ્તારમાં ચલાવીને પાકિસ્તાની નેવીની પેટ્રોલ બોટને નિશાન બનાવી હતી અને ત્રણ જવાનોને મારી દીધા હતા.

સમૂહના જણાવ્યા પ્રમાણે આ યુનિટ કોસ્ટલ એરિયાઝની હિફાજત અને પાકિસ્તાની સિક્યોરિટી ફોર્સિસની મૂવમેન્ટને રોકવા માટે કામ કરે છે. બીએલએએ કહ્યું કે, ઓપરેશન વિશેની વધુ જાણકારી બાદમાં મીડિયા સાથે શેર કરવામાં આવશે. બલુચિસ્તાન દક્ષિણમાં સ્થિત ગ્વાદર પોર્ટ વિવાદનું કેન્દ્ર બન્યું છે. ચીન તેને પોતાના બીઆરઆઇ પ્રોજેક્ટનો મહત્ત્વપૂર્ણ હિસ્સો માને છે, જ્યાંથી તે સીધા અરબ સાગર સુધી પહોંચ બનાવી શકે છે, પરંતુ બલુચોની નજરમાં આ પ્રોજેક્ટ તેમના માટે નથી. તેઓ માને છે કે, તેમની જમીન લેવામાં આવી રહી છે, તેમના સંસાધનોનો ઉપયોગ બહારની તાકાતો કરી રહી છે અને બદલામાં ન તો રોજગાર મળી રહ્યો છે અને ન તો ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક