• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

એશિયાડમાં નિષ્ફળ ખેલ સંઘો પર સરકાર લાલઘૂમ

વૈભવી સુવિધાઓ છતાં ધબડકા બદલ 15 ઓક્ટોબરે આકરા સવાલો પુછાશે

નવી દિલ્હી, તા.12 : આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં ભારતે 21 ગોલ્ડ સહિત 85 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન જાળવી રાખ્યું હોવા છતાં કેન્દ્રીય રમતગમત મંત્રાલય એકંદર પરિણામથી સંતુષ્ટ નથી. ભારતના 495 એથ્લેટ્સે 36 રમતોમાં ભાગ લીધો હતો, પરંતુ જે રમતો પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ હતી તેવાં 9 સંઘોના 139 ખેલાડીઓ માત્ર 3 બ્રોન્ઝ મેડલ જ જીતી શક્યા. 15 ઓક્ટોબરે યોજાનારી મહત્ત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં આ નિષ્ફળ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ સામે મંત્રાલય આકરી પૂછપરછ કરવાની તૈયારીમાં છે.

સૌથી મોટો વિવાદ બેડમિન્ટન ટીમના કંગાળ દેખાવને લઈને સર્જાયો છે. 20 સભ્યના બેડમિન્ટન દળને ફાઇવ-સ્ટાર નાગોયા ટોક્યુ હોટલમાં અતિ-વૈભવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જ્યારે ઓલિમ્પિક પદક વિજેતા મીરાબાઈ ચાનુ જેવા રમતવીરો પોર્ટ મેસ પાસે ઊભેલા ક્રૂઝ શિપ કોસ્ટા સેરેનામાં રોકાઈને પણ મેડલ લાવવામાં સફળ રહ્યા હતા. તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી મહિલા ડબલ્સ જોડી સહિતના સ્ટાર્સ એશિયાડમાં ફ્લોપ રહ્યા અને ભારતને માત્ર મેન્સ ટીમ ઇવેન્ટમાં એક કાંસ્યથી સંતોષ માનવો પડયો. જોકે, ટીમ મેનેજમેન્ટ તરફથી આયોજકોની ગંભીર ક્ષતિઓ, ટ્રાન્સપોર્ટની સમસ્યા અને પીવી સિંધુએ 24 કલાકમાં ત્રણ મેચ રમવી પડી હોવાનો બચાવ પણ રજૂ કરવામાં આવી રહ્યો છે.

ઓલિમ્પિક માટે સરકારી સહાય

જોઈતી હોય તો સારાં પરિણામ આપો

 સરકારનું વલણ હવે કડક બન્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભવિષ્યમાં માત્ર સરકારી નોકરી મેળવવા ‘ટૂરિસ્ટ’ તરીકે જનારાઓને સરકારી ખર્ચે મોકલવામાં નહીં આવે. ઓલિમ્પિક સાયકલમાં સૌથી વધુ બજેટ મેળવતી રમતો જો પરિણામ ન આપી શકે તો જવાબદારી અનિવાર્ય બને છે. ફેડરેશન્સને સાફ શબ્દોમાં જણાવી દેવાયું છે કે તેમની વર્તમાન ફન્ડિંગ સાયકલ પૂર્ણ થઈ ચૂકી છે; હવે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે સરકારી સહાય જોઈતી હશે તો તેમણે પરિણામલક્ષી બ્લ્યૂપ્રિન્ટ અને નક્કર વિઝન દર્શાવવું પડશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક