33 વર્ષ બાદ ઐતિહાસિક નિર્ણયઃ રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ, સીબીડી ગ્રાઉન્ડ નવાં પ્રદર્શન સ્થળો
નવી દિલ્હી, તા. 12 ઃ દેશની સરકાર સામે વિદ્યાર્થીઓનાં આંદોલનનું એપી સેન્ટર બનેલું જંતરમંતર હવેથી પ્રદર્શનનું સ્થળ નહીં રહે. કેન્દ્ર સરકારે 33 વર્ષ બાદ સોમવારે ઐતિહાસિક બદલાવ કરતાં લુટિયન્સ સ્થિત આ સ્થળને પ્રદર્શનનાં સ્થળોની યાદીમાંથી હટાવી દીધું છે.
દરમિયાન દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ થઇ છે. જેમાં જંતરમંતરને ફરીથી પ્રદર્શન સ્થળ ઘોષિત કરવાની માગણી કરવામાં આવી છે. જેના ઉપર આવતીકાલે સુનાવણી થશે.
ગૃહ મંત્રાલયના નિર્દેશથી રચાયેલી સમિતિએ કરેલી ભલામણના આધારે ફેંસલો લેવાયા બાદ હવેથી દિલ્હીનાં જંતરમંતર પર પ્રદર્શન નહીં થઇ શકે.<રાજધાનીમાં હવેથી કોઇપણ પ્રકારનાં ધરણાં, પ્રદર્શન માટે મધ્ય દિલ્હીનાં રામલીલા મેદાન, ઉત્તર દિલ્હીમાં બુરાડી ગ્રાઉન્ડ અને પૂર્વ દિલ્હીમાં સીબીડી ગ્રાઉન્ડ નવાં પ્રદર્શન સ્થળ બનાવાયાં છે. જોકે, રામલીલા મેદાનમાં આગામી અઢી માસ સુધી બુકિંગ હોવાથી પ્રદર્શન સંભવ નથી. આ ઉપરાંત ત્યાં ભાડું 1.20 લાખ રૂપિયા હોવાથી જગ્યા મોંઘી પણ પડશે. જ્યારે જંતરમંતર ખાતે પ્રદર્શન નિઃશુલ્ક હતું.
કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ સાથે સોમવારે જંતરમંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી માગી હતી, પરંતુ દિલ્હી પોલીસે ઇન્કાર કરી દીધો હતો.
જંતરમંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવવા પાછળનું ચોક્કસ કારણ નથી બતાવયું, પરંતુ એવું મનાઇ રહ્યું છે કે, આ સ્થળ સંસદથી માત્ર દોઢ કિ.મી. દૂર છે, તે સૌથી મોટું કારણ છે.
જૂન-જુલાઇમાં થયેલાં કોકરોચ જનતા પાર્ટીનાં પ્રદર્શનો દરમ્યાન પ્રદર્શનકારીઓ સંસદની નજીક પહોંચી ગયા હતા. તેમને રોકવા માટે દરવાજા બંધ કરવા પડયા હતા.
એ સિવાય મધ્ય દિલ્હીમાં લગાતાર થઇ રહેલાં પ્રદર્શનોનાં કારણે સર્જાતા ટ્રાફિક અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓનાં કારણે પણ જંતરમંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવાયું છે.
વીવીઆઇપી વિસ્તારની નજીક સુરક્ષાનાં જોખમોને ટાળવાના હેતુ સાથે ત્રણ દાયકાથી વધુ સમય બાદ આ સ્થાયી બદલાવ કરાયો છે.
આમ, રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો અને જનઆંદોલનોનું સાક્ષી રહેલું જંતરમંતર હવે ઇતિહાસનાં પાનાંઓમાં સમેટાઇ ગયું છે.
ખાસ ઉલ્લેખનીય છે કે, હજુ ગત શુક્રવારે જ સુપ્રીમ કોર્ટે પણ જંતરમંતરના વિકલ્પ તરીકે પ્રદર્શનના હેતુ માટે એક એવી મોટી જગ્યાની તલાશ કરવાની વાત કરી હતી, જ્યાં પાણી, શૌચાલય અને તબીબી સુવિધા હોય.
ગૃહમંત્રાલયના નિર્દેષથી લેવાયેલા આ ઐતિહાસિક ફેંસલા બાદ લુટિયન્સ દિલ્હી સંપૂર્ણપણે રાજકીય સભા અને પ્રદર્શનોથી મુક્ત બની જશે.
‘આખો દેશ જંતર-મંતર બનશે’
ધરણાં, પ્રદર્શન સ્થળની યાદીમાંથી હટાવવામાં આવતા ઈઉંઙ નેતાઓ ભડક્યા
નવીદિલ્હી, તા.12 ઃ રાજધાની દિલ્હીમાં ધરણાં, વિરોધ પ્રદર્શનો માટેનાં અધિકૃત સ્થાનોમાં બદલાવ કરવામાં આવ્યો છે અને તેમાંથી જંતર-મંતરને હટાવી દેવામાં આવતાં કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)ના સ્થાપક અભિજીત દીપકે અને તેમના સાથીદાર સૌરવ દાસે આકરી પ્રતિક્રિયા આપી છે. ધરણાં સ્થળમાં આ બદલાવ નામંજૂર હોવાનું કહીને બન્નેએ કહ્યું હતું કે, હવે આખો દેશ જંતર-મંતર બનવાનો છે.
દીપકેએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, જંતર-મંતરને વિરોધ પ્રદર્શન માટે નિર્ધારિત સ્થાનમાંથી હટાવી દેવામાં આવ્યું છે. હવે તે વિરોધ પ્રદર્શનની જગ્યા રહી નથી કારણ કે તાનાશાહે આને યુદ્ધનું મેદાન બનાવી નાખ્યું હતું. હવે આખો દેશ જંતર-મંતર બનશે. બીજીબાજુ સૌરવ દાસે કહ્યું હતું કે, આ મંજૂર નથી. નરેન્દ્ર મોદી જંતર-મંતરથી શા માટે ડરે છે ? જંતર-મંતર ભારતના લોકોનું છે. શું ગૃહ મંત્રાલયે આના માટે લોકોની સલાહ લીધી હતી ? જેવી રીતે જંતર-મંતરને ધરણાં સ્થળમાંથી હટાવી દેવામાં આવ્યું તેવી જ રીતે લોકશાહીને પણ હટાવી દેવામાં આવશે. હવે આખો દેશ જંતર-મંતર બનવા જઈ રહ્યો છે.
આ પહેલા કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ સોમવારે દિલ્હી પોલીસને 24 કલાકનું આખરીનામું આપ્યું હતું. જંતરમંતર પર પ્રદર્શનની તારીખ નહીં મળે તો ફરી આંદોલન કરશું, તેવી ચેતવણી પણ સીજેપીએ આપી હતી.
સીજેપીના સહસંયોજક આશુતોષ રાંકા અને સૌરવ દાસ સોમવારે પ્રદર્શનની અનુમતિ માગવા પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ગયા હતા.