જામનગરમાં માત્ર 9.63 ટકા અને દ્વારકામાં 0.94 ટકા પાણી
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.12ઃ ગુજરાતમાં ચોમાસાએ વિદાય લેતાં જ આગામી ઉનાળામાં પાણીની ઉપલબ્ધતા અંગે ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. રાજ્યમાં સરેરાશના 89.19 ટકા વરસાદની સામે નર્મદા ડેમ સિવાયના 206 જળાશયોમાં કુલ સંગ્રહક્ષમતાના 69.56 ટકા પાણી ઉપલબ્ધ છે. જોકે, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળસંગ્રહની સ્થિતિ વધુ ચિંતાજનક છે. દિવાળી બાદ પીવાના પાણી અને સિંચાઈના આયોજનની સરકારી તંત્ર માટે ખરી કસોટી શરૂ થશે.
સૌરાષ્ટ્રના જળાશયોના આંકડા ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. જામનગર જિલ્લાના ડેમોમાં કુલ ક્ષમતાની સરખામણીએ માત્ર 9.63 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં સ્થિતિ વધુ વિકટ છે, જ્યાં જળસંગ્રહ માત્ર 0.94 ટકા છે. અનેક જળાશયો લગભગ ખાલી થઈ જતાં આગામી મહિનાઓમાં પાણીની જરૂરિયાત પૂરી કરવી પડકારરૂપ બની શકે છે. રાજકોટ વિસ્તારના જળાશયોમાં 38.65 ટકા, મોરબીમાં 65.96 ટકા અને સુરેન્દ્રનગરમાં 66.49 ટકા પાણી ઉપલબ્ધ છે. આમ, સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં જળસંગ્રહની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળે છે.
રાજ્યના મુખ્ય જળાશયોમાં સીપુ ડેમમાં 4.11 ટકા, ઉન્ડ-1માં 13.80 ટકા, ભાદરમાં 19.45 ટકા અને દાંતીવાડામાં 23.80 ટકા પાણી છે. બીજી તરફ, ધરોઈમાં 52.22 ટકા અને મચ્છુ-1માં 60.10 ટકા સંગ્રહ નોંધાયો છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરેલો હોવાથી રાજ્યને મોટી રાહત મળી શકે છે.
ગક્ષિણ ગુજરાતમાં 114.23 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 71.43 ટકા અને કચ્છમાં માત્ર 57.60 ટકા વરસાદ પડÎો છે. ઓછા વરસાદ અને જળાશયોમાં મર્યાદિત આવકને કારણે પાણીનું આયોજન મહત્ત્વનું બન્યું છે. હવે તંત્ર સામે પીવાના પાણીની અગ્રતા જાળવવા, સિંચાઈનું યોગ્ય વિતરણ કરવા અને ઉપલબ્ધ જથ્થાનો કરકસરપૂર્વક ઉપયોગ કરાવવાનો પડકાર છે. આગામી ઉનાળામાં સૌરાષ્ટ્રના લોકો માટે પાણીનું સંચાલન નિર્ણાયક સાબિત થશે.