• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

EC, CEC સામેની લડાઈ સડકથી સુપ્રીમ પહોંચી

લડતને શિવજીની જાન અને તાંડવ ગણાવતા રાહુલઃ ભાજપે મૂક્યો અરાજકતા ફેલાવવાનાં પ્રયાસનો આરોપ

 

નવી દિલ્હી, તા.12ઃ ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનર અને મતદાર યાદીનાં વિશેષ ઘનિષ્ઠ સુધારા(સર) વિરોધી લડાઈને રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં વિપક્ષી ઈન્ડિયા મોરચાએ સડકથી લઈને રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડી દીધી છે. દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ (સીજેઆઈ) જસ્ટિસ સૂર્યકાંત દ્વારા મુલાકાતનો સમય આપવાનો ઈન્કાર કરવાં સાથે આપવામાં આવેલી અરજી દાખલ કરવાની સલાહનાં પગલે લોકસભામાં વિપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી સહિત 11 વિપક્ષી નેતાઓ તરફથી ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વ્યક્તિગત અરજી દાખલ કરી દેવામાં આવી છે.

આ અરજીમાં મતદાર યાદીનાં વિશેષ ગહન સુધારા(સર)માં ગેરરીતિ સહિત જ્ઞાનેશ કુમાર સામે અનેક ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની લીગલ ટીમ દ્વારા સુપ્રીમમાં આજે આ અરજી દાખલ કરવામાં આવી તે પહેલા હજારોની પ્રચંડ મેદની વચ્ચે ઈન્ડિયા ગઠબંધનનાં નેતા, સાંસદો અને કાર્યકરો ઉપરાંત સામાજિક કાર્યકરો અને છાત્ર નેતાઓએ સંવિધાન કલબથી સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરી હતી અને જ્ઞાનેશ કુમારને હટાવવાની માગણી બુલંદ અવાજે દોહરાવી હતી. બીજીબાજુ ભાજપે રાહુલ ગાંધીનાં વિરોધ પ્રદર્શનને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ ગણાવીને વખોડી કાઢવામાં આવ્Îો હતો.

પહેલાં ‘ઈન્ડિયા’ના સાંસદોએ દિલ્હીના બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી રેલી કાઢી હતી. તેમને 500 મીટર પહેલાં જ રોકી દદેવાયા હતા.

આઝાદ દેશના ઈતિહાસમાં એવી ઘટના પહેલીવાર બની હતી કે, વિપક્ષી નેતાઓએ કોઈ માંગ સાથે દેશની સર્વોચ્ચ અદાલત સુધી કૂચ કરી હોય.

 છેલ્લા સાત દિવસમાં પાંચમી વખત વિરોધ પ્રદર્શન કરનારા વિપક્ષી ઈન્ડિયા જોડાણના નેતાઓ, સાંસદો, કાર્યકરો તેમજ વિશાળ સમર્થક સમુદાદય ઉમટી પડતાં રાજધાનીના રસ્તાઓ પર ચોમેર જામની સ્થિતિ સર્જાઈ હતી. વિપક્ષી નેતાઓ તરફથી દાખલ કરવામાં

આવેલી આ અરજીમાં ઈન્ડિયા મોરચાનાં 11 નેતાઓએ હસ્તાક્ષર કરેલા છે. આ જનહિત અરજીમાં રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા નેતા અખિલેશ યાદવ, રાજદ નેતા તેજસ્વી યાદવ, તૃણમૂલ કોંગ્રેસ નેતા સૌગત રાય, શિવસેના નેતા સંજય રાઉત, સીપીઆઈએમ મહામંત્રી એમએ બેબી, સીપીઆઈ નેતા ડી.રાજા સામેલ છે. આ ઉપરાંત ઝામુમો સાંસદ મહુઆ માઝી, એનસીપી નેતા સુપ્રિયા સુલે અને ઈટી મોહમ્મદ શબીરનું નામ સામેલ છે. અરજીમાં વિપક્ષે ચૂંટણી પંચ અને સીઈસી ઉપરાંત  અન્ય ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીને પણ પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

આ અરજી દાખલ કરવા સાથે રાહુલની આગેવાનીમાં વિપક્ષી નેતાઓનું જોરદાર શક્તિ પ્રદર્શન દિલ્હીની સડકો ઉપર જોવા મળ્યું હતું. રાહુલ ગાંધીની હાકલ ઉપર હજારો પ્રદર્શનકારીઓ સુપ્રીમ ભણી કૂચમાં જોડાઈ ગયા હતાં. આમાં રાહુલ, પ્રિયંકા ગાંધી વાડ્રા, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, મમતા બેનરજી સહિતનાં નેતાઓ સામેલ થયા હતાં. આ આંદોલનનો એક ચહેરો બની ગયેલી છાત્ર નેતા નેહા બોરા પણ તેમની સાથે રહી હતી.

આ પહેલા રાહુલ ગાંધીએ બપોરે દેશનાં તમામ રાજકીય પક્ષો સહિત નાગરિકોને દેશનું લોકતંત્ર બચાવવા અને સંવિધાનની આ લડાઈમાં સામેલ થવા માટે હાકલ કરી હતી. રાહુલે કોકરોચ જનતા પાર્ટીનાં સમાંતર આંદોલન મુદ્દે કહ્યું હતું કે, ચૂંટણી પંચ સામેની આ લડાઈ એક જ છે. જે કોઈપણ નાગરિક કે નેતા આનાં માટે લડી રહ્યાં છે એ તમામ એક જ છે. આ લડાઈમાં આગળની રણનીતિ વિશે રાહુલે આગળ કહ્યું હતું કે, આ તો શિવજીનું તાંડવ છે. તેમાં કોઈ આયોજન ન હોય. આ કોઈ રાજાનું જુલુસ નથી, આ તો શિવજીની જાન છે, જેમાં સૌ કોઈ જોડાઈ શકે છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, સીઈસી જ્ઞાનેશ કુમાર તરફથી પણ આડકતરો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને રાહુલે તેમને જવાબ આપ્યો હતો કે, જ્ઞાનેશ કુમારે અપરાધ કર્યો છે અને તેમણે સરકારી સાહેદ બની જવું જોઈએ.

 

ડીયર સૂર્યકાંત, રાજીનામું આપો ઃ સીજેઆઈ ઉપર કોંગ્રેસનું નિશાન

નવી દિલ્હી, તા.12ઃ મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) અને સરની કામગીરી વિરુદ્ધ વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનનાં નેતાઓ આજે દેશનાં પ્રમુખ ન્યાયધીશ (સીજેઆઈ)ને પણ આવેદન સોંપવા માગતા હતાં પણ સીજેઆઈ સૂર્યકાંતે આવી મુલાકાતનો ઈનકાર કરી દીધો હતો. જેને પગલે  કેરળ કોંગ્રેસ દ્વારા સીજેઆઈ ઉપર પણ નિશાન સાધવામાં આવ્યું હતું. કેરળ કોંગ્રેસે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, ડીયર સૂર્યકાંત, જો કાયદો-વ્યવસ્થા તમારું ક્ષેત્ર ન હોય તો અત્યારે જ રાજીનામુ આપી દો. અમે આ સ્થાન સંભાળી શકે તેવી વ્યક્તિને શોધી લેશું. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ આ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોંગ્રેસનું આગામી નિશાન ન્યાયપાલિકા જ છે.

 

ફોર્મ - છ મંજૂર કે ખારિજ

થયું નથી ઃ સુપ્રીમ

 

નવી દિલ્હી, તા.12 ઃ સુપ્રીમ કોર્ટ તરફથી ફોર્મ-6 અંગે ફરી એક વખત મહત્ત્વની ટિપ્પણી કરવામાં આવી છે. અદાલતે કહ્યું હતું કે, બિહાર એસઆઇઆર મામલે નવા ફોર્મ-6ને સુપ્રીમ કોર્ટની મંજૂરી ઉપર કોઈ નિર્ણય થયો નથી. સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે, નવા ફોર્મ-6ને કોઈ મંજૂરી આપવામાં નથી અને તેને ખારિજ પણ કરવામાં આવ્યું નથી.  આ ફોર્મની તપાસ જ કરવામાં આવી નથી.

જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે, બિહાર એસઆઇઆરની સુનાવણી સમયે નવું ફોર્મ-6 અદાલતની સામે જ આવ્યું નહોતું. આ અંગે અદાલત દ્વારા કોઈ ન્યાયિક નિર્ણય આપવામાં આવ્યો નથી. જનહિતની અરજી દાખલ કરનારા અરજકર્તા તરફથી રજૂ વકીલે કહ્યું હતું કે, પાંચમી ઓક્ટોબરે અદાલત પહેલા જ કહી ચૂકી હતી કે ફોર્મ-6ને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી નથી. તેમ છતાં ચૂંટણી પંચે એવું કહ્યું છે કે ફોર્મ-6ને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક