• મંગળવાર, 07 જુલાઈ, 2026

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું

36 વર્ષ બાદ બ્રાઝિલની વિશ્વ કપમાંથી સૌથી ખરાબ વિદાય

ન્યૂયોર્ક, તા.6: ફીફા વર્લ્ડ કપના રાઉન્ડ-16માં ફૂટબોલ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. અન્ડરડોગ ગણાતી ટીમ નોર્વેએ પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન બ્રાઝિલને 2-1થી હાર આપીને વર્લ્ડ કપના કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નોર્વેની આ સનસનીખેજ જીતથી ખિતાબની દાવેદાર ટીમ બ્રાઝિલ વિશ્વ કપની બહાર થઇ હતી. વર્ષ 36 વર્ષ બાદ બ્રાઝિલની વિશ્વ કપમાં આ સૌથી ખરાબ વિદાય છે. અગાઉ 1990માં બ્રાઝિલ આર્જેન્ટિના સામે રાઉન્ડ-16માં હારીને બહાર થઇ હતી. નોર્વેના વિજયનો નાયક 6 ફૂટ પ ઇંચ ઉંચો અને કદાવર ખેલાડી અર્લિંગ હાલેન્ડ રહ્યો હતો. તેણે બે ગોલ કરી બ્રાઝિલને દિગમૂઢ કરી દીધું હતું.

મેચમાં બ્રાઝિલને શરૂઆતમાં જ પેનલ્ટી મળી હતી પણ નોર્વેના ગોલકીપર ઓર્જાન નાઇલેન્ડે દીવાલ બની ગોલ થવા દીધો ન હતો. બ્રાઝિલનો ખેલાડી બ્રૂનો ગુઈમારેસ પેનલ્ટીથી ગોલ કરવાનું ચૂકી ગયો હતો. બીજા હાફમાં બ્રાઝિલે સ્ટાર સ્ટ્રાઇકર નેમારને મેદાનમાં ઉતાર્યો હતો. પણ નોર્વે ગભરાયું નહીં. મેચની 79મી મિનિટે અર્લિંગ હાલેન્ડે બુલેટ હેડરથી જબરદસ્ત ગોલ કરી નોર્વેને 1-0થી આગળ કર્યું. આ પછી 90મી મિનિટે ફરી હાલેન્ડ ત્રાટકયો હતો. તેણે પાવરફૂલ શોટથી સીધો ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું. આથી નોર્વેની સરસાઇ 2-0 થઇ ગઇ હતી. સ્ટોપેજ ટાઇમની 10મી મિનિટે બ્રાઝિલને ફરી પેનલ્ટી મળી. જેમાં નેમારે કોઇ ભુલ કરી નહીં અને બ્રાઝિલ માટે ગોલ કર્યો, પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. રેફરીએ વ્હીસલ મારી અને નોર્વેનો 2-1થી ઐતિહાસિક વિજય થયો. કવાર્ટર ફાઈનલમાં નોર્વેની ટક્કર 11મીએ ઈંગ્લેન્ડ સામે થશે.

હારથી હતાશ નેમાર નિવૃત્ત

નોર્વે સામેની આંચકારૂપ હારથી બ્રાઝિલનું વિશ્વ કપ અભિયાન નિરાશાજનક રીતે સમાપ્ત થયું હતું. આ હાર સાથે જ બ્રાઝિલના 34 વર્ષીય સ્ટાર ખેલાડી નેમારે ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. નોર્વે સામેની હાર બાદ નેમાર મેદાન પર જ ધ્રુસકે ધ્રુસકે રડી પડયો હતો. મેચ બાદ નેમારે કહ્યું મારી ઈન્ટરનેશનલ કેરિયર મેટલાઇફ સ્ટેડિયમ પર શરૂ થઇ હતી અને એ જ મેદાન પર તેનો અંત આવે છે.

 

 

 


ઇ-પેપરના નવા શુલ્ક