- રાષ્ટ્રપતિ સુબિયાન્ટો આવકારવા હાજર રહ્યાઃ દ્વિપક્ષી વાટાઘાટ સહિત અનેક કાર્યક્રમ
જકાર્તા, તા.6 ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેમના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કા અંતર્ગત ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’, ‘મહાસાગર વિઝન’ અને મુક્ત, ખુલ્લા તેમજ સર્વસમાવેશી ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવાનો છે.
એક વિશેષ આદરભાવ રૂપે, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો પોતે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, અન્ય ચાર મંત્રીઓ પણ વડાપ્રધાનને આવકારવા માટે હાજર રહ્યા હતા. અહીં પીએમ મોદીનું પરંપરાગત ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું.
જાકાર્તા પહોંચી ગયો છું. એરપોર્ટ પર મારું સ્વાગત કરવા બદલ હું રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના વિશેષ આદરભાવથી અત્યંત પ્રભાવિત થયો છું એમ વડાપ્રધાન મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું.
વર્ષ 2018માં બંને દેશો વચ્ચેના સંબંધોને ’વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’નો દરજ્જો આપવામાં આવ્યા બાદ, પીએમ મોદીની ઇન્ડોનેશિયાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયામાં 8 જુલાઈ સુધી રોકાશે. આ દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે તેમની વિગતવાર દ્વિપક્ષીય વાતચીત થશે. વડાપ્રધાન ત્યાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમને પણ સંબોધિત કરશે.