• મંગળવાર, 07 જુલાઈ, 2026

સૌરાષ્ટ્રમાં નદી-નાળા બે કાંઠે થતાં જળબંબોળની સ્થિતિ: ઠેર ઠેર નુકસાની

-અમરેલી પંથકમાં તંત્રનું યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન; 24થી વધુ માર્ગો બંધ થતાં વાહનવ્યવહાર ઠપ

-રાજુલાના સમઢીયાળા ગામે પુલ પર પાણી ભરાતા એમ્બ્યુલન્સ અટકી, બીમાર વૃધ્ધાનું જેસીબીની મદદથી રેસ્કયૂ

-ધરતીપુત્રોએ કર્યા વાવણીના શ્રીગણેશ

રાજકોટ, તા.6: સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ રૌદ્ર અને હેતાળ એમ બંને સ્વરૂપે વરસ્યા છે. ખાસ કરીને અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. ડેમોના દરવાજા ખોલાતા નદીઓ બે કાંઠે થઈ છે અને પૂરના પાણી રહેણાંક વિસ્તારો તેમજ માર્ગો પર ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અમરેલી અને જૂનાગઢના અંદાજે 76 જેટલા મુખ્ય માર્ગો બંધ થતાં વાહનવ્યવહાર ઠપ થયો છે, જ્યારે ધારી પંથકમાં પૂરના ધસમસતા પ્રવાહમાં એક ખેડૂત તણાઈ જતાં મૃત્યુ નીપજ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે પરંતુ, આ તમામ આપત્તિઓ અને મુશ્કેલીઓ વચ્ચે પણ અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત મળતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તેમજ વાવણી લાયક વરસાદથી જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ધરતીપુત્રોએ હરખભેર વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. એક તરફ તંત્ર યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયું છે.

અમરેલી : આજે સોમવારે ફરી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ધોધમાર તેમજ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. દામનગર, સાવરકુંડલા, લાઠી, લીલીયા અને કુંકાવાવ પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યારે સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દામનગર શહેરમાં આજે બે દિવસના વિરામ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી નદી માફક વહેવા લાગ્યા હતા. લાઠી અને લીલીયા પંથકમાં પણ સારા વરસાદના સમાચાર મળ્યા છે. રાજુલા તાલુકાના સમઢીયાળા ગામે ભારે વરસાદના કારણે પુલ પર પાણી ફરી વળતાં એમ્બ્યુલન્સ પણ દર્દી સુધી પહોંચી શકી નહોતી. આવી વિકટ પરિસ્થિતિમાં સ્થાનિકોની સતર્કતા અને જેસીબીની મદદથી એક વયોવૃદ્ધ મહિલાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.

સાવરકુંડલા-અમરેલી વચ્ચે આવેલા નેશનલ હાઈવેનો ભારે વરસાદ અને પુરના પ્રકોપને કારણે ભાગ ધોવાઈ જતા છેલ્લા 24 કલાકથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. હાઈવેના બે ભાગ પડી જતાં રાજુલા, સાવરકુંડલા અને અમરેલી વચ્ચેનો મુખ્ય માર્ગ બંધ રહેતા હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાના 24 કલાક બાદ નેશનલ હાઈવે ઓથોરિટી હરકતમાં આવી છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ શરૂ કરી મસમોટા સિમેન્ટના પાઈપ ગોઠવી કામચલાઉ માર્ગ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં ભારે વરસાદને પગલે વરસાદી પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બવાડા ગામમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતાં અનેક મકાનો અને આસપાસના વિસ્તારો પ્રભાવિત બન્યા હતા. પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે ગામલોકોએ ચાલુ વરસાદ વચ્ચે જ રેતીની થેલીઓ ગોઠવી પાળો બનાવી પાણીના પ્રવાહને અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત, બચાવ અને સ્થળાંતરની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

 જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, જિલ્લામાં ભારે વરસાદને પગલે લીલીયાના બવાડી ગામેથી 8 લોકો, ધારીના મીઠાપુર ડુંગરી અને ચલાલા ગામેથી 8થી 10 લોકો તેમજ કથીવદર ગામેથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાવરકુંડલાના જૂના સાવર ગામે લીલીયા રોડ પરથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાજુલાના વિક્ટર ગામેથી 25 લોકો, સાવરકુંડલા તાલુકામાંથી 215, જાફરાબાદના ધારાબંદર ગામેથી 40 અને ધારીના ચલાલા ગામેથી અંદાજે 100 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતર કરાયેલા લોકોને પ્રાથમિક શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ભોજન સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળ કુલ 6 રસ્તા બંધ છે, જેમાંથી 3 રસ્તા ઓવરટાપિંગ અને 3 ડાયવર્ઝન માર્ગનો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળ કુલ 18 રસ્તા બંધ છે, જેમાંથી 16 રસ્તા ઓવરટાપિંગ અને 2 ડાયવર્ઝન માર્ગનો સમાવેશ થાય છે. નેશનલ હાઈવે પર અમરેલી-સાવરકુંડલા માર્ગ ધોવાઈ જતાં રિપારિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તમામ બંધ માર્ગો આજે સાંજ સુધીમાં શરૂ થઈ જશે. ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા 359 વીજ ફીડરમાંથી 248 ફીડર ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. બાકી રહેલા 111 ફીડરને કાર્યરત કરવાની કામગીરી પ્રગતિમાં છે.

ગારિયાધાર : ખોડીયાર ડેમનું પાણી છોડાતા શેત્રુંજી નદીમાં રાત્રિના એક કલાકે આ પાણી પહોંચી જતા નદીના પ્રવાહના પટની બહાર પ્રસરી હતી. જેના કારણે ત્રણ કિલોમીટર સુધીના સમગ્ર વિસ્તારમાં પાણી પ્રસરી જવા પામ્યો હતો. પાણી પ્રસરી જતા ગારિયાધારથી સાવરકુંડલાનો માર્ગ રાત્રિના બંધ કરી દેવામાં આવ્યો હતો. શેત્રુંજી નદી રેલ મારી જતા ગારિયાધાર પંથકના અખતરીયા, સરંભડા, લુવારા, ઠાસા અને રાણી ગામ સહિતના ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા. રાણીગામ પાસે આવેલા દેવ મંદિરો અને વાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા. જ્યારે રાણીગામના માર્ગ ચાલુ ન હોવાથી વાહન વ્યવહાર ખેરવાઇ ગયો હતો. શેત્રુંજી નદી રેલ મારી જતા સમગ્ર વિસ્તારમાં પાણી ફરી મળતા નદીનો માહોલ સમુદ્ર જેવો દ્રશ્યમાન થવા પામ્યો હતો. વળી દિવસ દરમિયાન પણ સતત પાણીની આવક ચાલુ રહેતા આ પાણી હજુ પણ ઉતર્યા નથી અને વરસાદ પણ સતત વરસતા આ પરિસ્થિતિ હજુ પણ યથાવત્ રહેશે તેવું દેખાઈ રહ્યું છે.

કુકસવાડા :  ચાર દિવસમાં 35  ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે. આજુબાજુના ગામમાં પણ સારો વરસાદ વરસતા અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે અને સારો વરસાદ થતા ખેડૂતો વાવણી કાર્યમાં લાગી ગયા છે.

ધારી : ધોધમાર વરસાદના કારણે નદી-નાળા છલકાતા ખેતરોમાં પાણી ભરાયા છે.

સાવરકુંડલા: ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે નાવલી નદીમાં ફરી પાણીની આવક થઈ છે. આજે નાવલી નદી ચોથી વખત બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીની આવક વધતા શહેરમાંથી પસાર થતી નાવલી નદીનો નજારો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

તળાજા : સતત પાંચ દિવસથી ધાબડીયા વાતાવરણ વચ્ચે ગઈકાલ રાત્રે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી ગયો. બોરડા, પાદરગઢ, જાગદાર, દાઠા, વાટલીયા, ગાધેસર સહિત પંથકમાં મોડી રાત્રે શરુ થયેલો વરસાદ વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો. કડાકા ભડાકા વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. શેરીઓ અને રસ્તા પર ગોઠણસમા પાણી ચાલવા લાગ્યા હતા. આજે બપોર બાદ પીથલપુર અને આસપાસના ગામડાઓમા વિઝીબિલિટી ઘટી ગઈ હતી તેવા માહોલ વચ્ચે વરસાદ ધોધમાર વરસી ગયો હતો. બસસ્ટેન્ડ વિસ્તાર જ્યાં મોટું મેદાન જેવું છે ત્યાં બધે જ પાણીના ધસમસતો પ્રવાહમાં એક બાઇક ચાલક તણાતા આસપાસના વેપારીઓએ દોડી બચાવ્યો હતો.

ડેડાણ : ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને માલકનેસનું પરા વિસ્તાર વિખુટુ પડી ગયું હતું. આ વિસ્તારમાં વિજ પુરવઠો પણ ખોરવાયો છે.

પોરબંદર :  ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘેડ વિસ્તારના અનેક ગામોમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક ગ્રામજનો સાથે સ્થળ પર જ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી ગ્રામજનો પાસેથી વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ગ્રામજનોએ ખેતીને થયેલા નુકસાન, રસ્તાઓના ધોવાણ, પીવાના પાણીની સમસ્યા, પશુઓ માટેના ચારા તથા અન્ય જરૂરી સુવિધાઓ અંગે પોતાની રજુઆતો કરી હતી.

જૂનાગઢ :  અતિભારે વરસાદના કારણે જિલ્લાના માંગરોળ, કેશોદ, માળીયા હાટીના, મેંદરડા, વંથલી અને માણાવદર તાલુકાના કુલ 52 રસ્તાઓ બંધ થયા હતા. આ તમામ તાલુકાઓ પૈકી કેશોદ, માંગરોળ અને માળીયા હાટીના તાલુકામાં વરસાદના કારણે વધુ નુકસાન નોંધાયું છે. આ બંધ રસ્તાઓને ફરીથી ચાલુ કરવા માટે કાર્યપાલક ઇજનેરના  માર્ગદર્શન હેઠળ વિભાગની કુલ 12 ટીમો સતત કાર્યરત છે. આ ઉપરાંત જુદા જુદા તાલુકાઓમાં કુલ 5 એજન્સીઓને જેસીબી મશીન તેમજ અન્ય જરૂરી મશીનરી સાથે કામગીરીમાં જોડવામાં આવી છે.  આ સઘન કામગીરીના પરિણામે 52 પૈકી કુલ 40 રસ્તાઓ વાહનવ્યવહાર માટે ફરી ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકી બચેલા 12 રસ્તાઓ ઘેડ વિસ્તારના હોવાથી ત્યાં હાલ પાણી ફરી વળવાને કારણે (ઓવરટાપિંગ લીધે) બંધ છે. આ રસ્તાઓ પરથી પાણી ઉતર્યા બાદ તુરંત જ જરૂરી કાર્યવાહી કરીને તેને પણ શરૂ કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સાવરકુંડલા :  આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સર્જાઈ શકે તેવી કુદરતી આપત્તિઓ જેવી કે વાવાઝોડું, પૂર તેમજ અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી સુચારુ રીતે હાથ ધરવામાં આવી શકે તે માટે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી ખાતે ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

ખોડીયાર ડેમના દરવાજા ખોલાતા સરંભડાનો યુવક શેત્રુંજીના પ્રવાહમાં તણાયો 

ધારી નજીક આવેલા ખોડીયાર ડેમના દરવાજા ખુલ્યા બાદ શેત્રુંજી નદીમાં આવેલા ઘસમસતા પાણીના પ્રવાહે વધુ એક જીવ લીધો છે. ધારી નજીક આવેલા ખોડીયાર ડેમના 9 દરવાજા ગઈકાલે ખુલતા શેત્રુંજી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધ્યો હતો. સરંભડા ગામે રહેતા ખેડૂત શરદ મગનભાઈ કાછડીયા આશરે 40 વર્ષીય યુવક નદી કાંઠે બેઠેલા ત્યારે પુરના ઘસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ બચાવ ટીમે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. આશરે 12 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ શેત્રુંજી નદી કાંઠે બાવળની કાંટમાં ફસાયેલી હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે, જ્યારે સમગ્ર પંથકમાં પણ શોકની લાગણી વ્યાપી છે.

 

 

 

 


ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું July 07, Tue, 2026