મોડાસા, તા. 6: અરવલ્લી જિલ્લા પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ શામળાજી પોલીસને મોટી સફળતા મળી છે. અનસોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચાકિંગ દરમિયાન ટ્રક માંથી એર કંડિશનરના ભારે ખાખી બોક્સોની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ દારૂ જુગારની બડી ડામવા માટે જીલ્લા પોલીસ વડા મનોહરાસિંહ જાડેજાએ કરેલા સૂચનના પગલે શામળાજી પોલીસનો સ્ટાફ અનસોલ ચેક પોસ્ટ પર વાહન ચાકિંગમાં હતા ત્યારે એક શંકાશ્પદ ટ્રક દેખાતા ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની 284 પેટીઓ, કુલ 7,284 બોટલ મળી રૂ.18.54 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. ટ્રક, એર કંડિશનરના બોક્સમાં ભરેલો માલ, મોબાઇલ સહિત કુલ રૂ.1,51,92,782નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.પોલીસે સ્થળ પરથી હરિયાણાના ભિવાની જિલ્લાના રહેવાસી સુનીલ રાજપાલ જાટની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.